ગાંધીનગર : ગુજરાત સરકાર રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ પ્રવેશ માટે આવક મર્યાદા વધારવાની વિચારણા કરી રહી છે. હાલમાં ગ્રામીણ વિસ્તારો માટે આવક મર્યાદા 1.20 લાખ રૂપિયા અને શહેરી વિસ્તારો માટે 1.50 લાખ રૂપિયા છે.રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ શાળામાં પ્રવેશ પ્રક્રિયાની સમય માર્યાદ વધારવા મામલે રાજ્યનાં શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ મોટું નિવેદન આપ્યું છે.
શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે સરકાર આ મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરવા અંગે વિચારણા કરી રહી છે. આ અંગેનો નિર્ણય આગામી એક-બે દિવસમાં લેવામાં આવી શકે છે. જો આવક મર્યાદા વધારવામાં આવશે, આ અંગેની સત્તાવાર જાહેરાત અગામી દિવસોમાં થઈ શકે છે. તો વાલીઓને નવા આવકના પ્રમાણપત્રો મેળવવા માટે 10 દિવસનો વધારાનો સમય આપવામાં આવશે.
RTE હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 માર્ચ, 2025 થી વધારીને 16 માર્ચ, 2025 કરવામાં આવી છે. વેબસાઈટ પર વપરાશકર્તાઓની સંખ્યામાં વધારો થવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.RTE એડમિશન માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો. પરંતુ, સાઈટ ધીમી ચાલી રહી હોવાના કારણે ફોર્મ ભરવાની મુદતમાં હવે 4 દિવસનો વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાત વાલી એકતા મંડળે 7 મહિના પહેલા મુખ્યમંત્રીને પત્ર લખીને આવક મર્યાદા વધારવાની માંગણી કરી હતી. મંડળનું કહેવું છે કે 2009માં RTE કાયદો અમલમાં આવ્યો ત્યારથી મોંઘવારીમાં ઘણો વધારો થયો છે. રાજસ્થાન અને દિલ્હી જેવા રાજ્યોમાં RTE માટે આવક મર્યાદા 2.50 લાખ રૂપિયા છે, તો ગુજરાતમાં પણ તે વધારવી જોઈએ.
શૈક્ષણિક વર્ષ 2025-26 માટે RTE હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જિલ્લા કક્ષાએ ફોર્મની ચકાસણી અને પ્રવેશ પ્રક્રિયાના રાઉન્ડની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. RTE કાયદો 6 થી 14 વર્ષની વયના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર આપે છે. આ માહિતી વાલીઓ માટે ઉપયોગી થશે જેઓ RTE હેઠળ તેમના બાળકોને પ્રવેશ અપાવવા માંગે છે.