અમદાવાદ : અમદાવાદમાં ફરીથી નબીરાએ અકસ્માત સર્જયો હતો. મળતા અહેવાલ પ્રમાણે, નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જયો હતો. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલ પાસે (24 માર્ચ) અંદાજીત રાત્રે 9 વાગ્યે પૂરઝડપે કાર ચાલકે રોડ પર પાર્ક કરેલા 4થી 5 વાહનોને વાહનોને ટક્કર મારી હતી.અકસ્માતના પગલે સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું, જોકે કારચાલકે છરી બતાવીને લોકોમાં ભયનો માહોલ પેદા કર્યો હતો.આ દરમિયાન ક્રોધે ભરાયેલા સ્થાનિક લોકોના ટોળાએ કારચાલકને ધીબેડી નાખ્યો હતો.જોકે પોલીસે કારચાલકને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વસ્ત્રાપુરના હિમાલયા મોલ પાસેથી ગતરાતે 9.45 વાગ્યે પૂરઝડપે પસાર થઈ રહેલી થારના ચાલકે પહેલા ટુ-વ્હીલર, ત્યારબાદ 3 કારને ટક્કર મારી હતી. તેમ છતાં થારચાલકે કાર રોકી ન હતી. પરંતુ થોડે જ આગળ એક કાર સાથે થાર અથડાતા તે રોકાઈ ગઈ હતી. આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં રાહદારીઓ ભેગા થઈ ગયા હતા અને થાર પાસે પહોંચ્યા હતા. આ સમયે થારમાંથી છરા સાથે ઊતરી યુવક લોકોને મારવા દોડ્યો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ થારચાલકને રસ્તામાં દોડાવી-દોડાવીને લાફા અને લાતોથી ફટકાર્યો હતો.
આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ત્યારે ઉશ્કેરાયેલા લોકોએ કારચાલકને મેથીપાક ચખાડ્યો હતો. સાથે જ કારચાલકે પોલીસને પણ ડરાવી હતી. પરંતુ બાદમાં પોલીસે કારચાલકને ઝડપી લીધો હતો. ઘટના બાદ પોલીસે કાર ચાલકને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે કારચાલક વિરૂદ્ધ મારામારી અને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


