બોટાદ : આગામી 12 એપ્રિલે ચૈત્રી પૂર્ણિમા, શનિવારના સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજીના મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેને લઈને પૂરજોશમાં તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
સાળંગપુરધામ કષ્ટભંજન હનુમાનજી મંદિરે ચૈત્રી પૂર્ણિમા, શનિવાર અને હનુમાન જયંતિના મહાસંગમે ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ ઉજવણી થનાર છે. સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તારીખ 11 અને 12 એપ્રિલ-2025ને શુક્રવાર-શનિવારના રોજ દાદાના દરબારમાં શ્રીહનુમાન જયંતી મહોત્સવ ભવ્યાતિભવ્ય ઉજવણી થનાર છે.
11 એપ્રિલ શુક્રવારે રાત્રે 8.30 કલાકે કિંગ ઓફ સાળંગપુરની સમૂહ આરતી યોજાશે. જેમાં હજારો દિવડાઓથી કિંગ ઓફ સાળંગપુરની સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં આરતી થશે અને ઐતિહાસિક આતશબાજીથી દાદાનું સ્વાગત કરાશે. રાત્રે 9 કલાકે ખ્યાતનામ કલાકાર જીગરદાન ગઢવી દ્વારા ડાન્સ વીથ ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાશે અને કિંગ ઑફ સાળંગપુરના સાનિધ્યમાં ભક્તિ સંગીતનો લાઇવ કોન્સર્ટ યોજાશે.
12 એપ્રિલ શનિવારે ચૈત્ર સુદ પૂર્ણિમા, હનુમાન જયંતિ નિમિત્તે મંગળા આરતી, 51,000 બલૂનડ્રોપ, 250 કિલોના કેક સાથે ભક્તિ ઉત્સવ, અને મહા અન્નકૂટ સહિતના કાર્યક્રમોનું આયોજન થશે. પ. પૂ. ધ. ધુ. 1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના સાંનિધ્યમાં, શા. શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર મહોત્સવ ઉજવાશે.
54 ફૂટના કિંગ ઓફ સાળંગપુર મૂર્તિની ભવ્ય સમૂહ આરતી. ભવ્ય રાજોપચાર, અન્નકૂટ અને મહાસંધ્યા આરતી જેવા અનેક પ્રસંગોમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તેમજ હરિપ્રકાશદાસજી સ્વામી અને વડીલ સંતોના આશીર્વાદ પ્રાપ્ત થશે. જે માટે મંદિરના સંતો દ્વારા વિશેષ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તેથી દર્શનાર્થીઓને મુશ્કેલી ના થાય તે માટે મંદિર પરિસરમાં રહેવા તથા જમવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વિશાળ પાર્કિંગ એરિયા બનાવવામાં આવ્યા છે. દાદાના જન્મોત્સવની રંગેચંગે ઉજવણી થાય એ માટે અહીં બે દિવસ સુધી વિવિધ કાર્યક્રમો પણ યોજાશે.
સમૂહ મારુતિ યજ્ઞમાં 1 હજાર ભક્તો પાટલે બેસવાનો લાભ લેશે તેમજ દેશના વિવિધ પ્રાંતમાંથી આવેલા 50થી વધુ બ્રાહ્મણો આ યજ્ઞ કરાવશે. તેમજ તારીખ 12ને શનિવારે સવારે 5 કલાકે મંગળા આરતી વખતે ભવ્ય આતશબાજીથી કષ્ટભંજનદેવનું સ્વાગત કરાશે. 7 કલાકે કષ્ટભંજનદેવ દાદા સુવર્ણ વાઘા ધારણ કરીને ભક્તોને દર્શન આપશે. સવારે 7.30 કલાકે 51,000 બલૂનડ્રોપથી ભક્તોનું સ્વાગત થશે.
250 કિલો કેકનું કટીંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડીજેના તાલે ઝૂમી ઉઠશે. બપોરે 11 કલાકે મહાઅન્નકૂટ યોજાશે અને દાદાના દર્શને આવતા તમામ ભક્તો માટે 10 કલાકે મહાપ્રસાદનો પ્રારંભથઈ જશે. સાંજે 7 કલાકે મહાસંધ્યા આરતી યોજાશે. જેમાં હજારો દિવડાઓ દ્વારા સામુહિક કષ્ટભંજનદેવની સંતો-ભક્તો દ્વારા સામુહિક આરતી કરવામાં આવશે. ત્યારે મંદિર પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.