અમદાવાદ : અમદાવાદમાં બે અલગ-અલગ સ્થળે અકસ્માતની ઘટનાઓ બની હતી. જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં બે અકસ્માતમાં બે વ્યક્તિના મોત થયા છે. જેમાં આંબલી પોલીસ ચોકી પાસે ટ્રકચાલકે ચાલતા જતા વૃધ્ધાને અડફેટે લેતા તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. તેમજ નિરમા યુનિવર્સિટી પાસે ટુ-વ્હીલર સ્લીપ થતા મહિલાનું મોત નિપજ્યુ હતુ. બંને બનાવોમાં ટ્રાફિક પોલીસે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પ્રથમ બનાવમાં કલોલમાં 47 વર્ષીય અર્ચનાબેન પટેલ પરિવાર સાથે રહેતા હતા. ગત 18 એપ્રિલે સવારના સમયે અર્ચનાબેન પોતાનું ટુ-વ્હીલર લઇને કામઅર્થે અમદાવાદ આવવા નીકળ્યા હતા. ત્યારે એસ.જી.હાઇવે નિરમા યુનિવર્સિટી પાસે પહોચ્યા તે સમયે પુરઝડપે હંકારતા હતા ત્યારે રસ્તા વચ્ચે કંઇક આવતા અચાનક બ્રેક મારતા ટુ-વ્હીલર સ્લીપ થતા તેઓ રસ્તા પર પટકાતા ગંભીર ઇજાઓ પહોચી હતી. જેથી આસપાસના લોકોએ તેમને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યુ હતુ. આ અંગે એસ.જી.હાઇવે-1 ટ્રાફિક પોલીસે મૃતક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.
બીજા બનાવમાં ઘુમામાં રહેતા 71 વર્ષીય તપસ્વીનભાઇ દિક્ષિત નિવૃત જીવન ગુજારે છે. ગત 4 એપ્રિલે તેમની 71 વર્ષીય પત્ની મૃદુલાબેન ઇસ્કોન મંદિરે દર્શન કરવા જતા હતા. ત્યારે આંબલી પોલીસ ચોકી પાસે પહોચ્યા અને ચાલતા જતા હતા તે સમયે પુરઝડપે આવી રહેલ ટ્રકચાલકે તેમને ટક્કર મારતા તેઓ ફંગોળાઇને જમીન પર પટકાતા ગંભીર ઇજાઓ થઇ હતી. જેથી તેમને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યુ હતુ. જ્યારે અકસ્માત કર્યા બાદ ટ્રકચાલક ટ્રક મૂકીને ફરાર થઇ ગયો હતો. આ અંગે તપસ્વીનભાઇએ ટ્રકચાલક સામે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.