અમદાવાદ : અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરનારા લોકો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે (22 મે) વહેલી સવારથી બંધ એપરલ પાર્કથી શાહપુર સુધીની મેટ્રો સેવા ફરી શરુ કરવામાં આવી છે. બુધવારે રાત્રે વીજ પુરવઠો પૂરો પાડતાં કેબલની ચોરી થવાના કારણે આ રૂટ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો હતો. જોકે, હવે ફરી તેને રાબેતા મુજબ શરુ કરી દેવાયો છે.
મેટ્રો વિભાગે આપેલી માહિતી અનુસાર, ગુજરાત મેટ્રો રેલની વસ્ત્રાલથી થલતેજ તરફના રૂટની સેવા ટેક્નિકલ ફોલ્ટ સર્જાવવાના કારણે બંધ કરવામાં આવી હતી.વસ્ત્રાલથી થલતેજ રૂટની મેટ્રો સેવા સાત કલાક ખોરવાયા બાદ બપોરે 1.30 વાગ્યા પછી ફરી શરૂ કરવામાં આવી છે. ગુજરાત મેટ્રો કોર્પોરેશન લિમિટેડના જવાબદાર અધિકારીઓ દ્વારા સવારથી મેટ્રો ટ્રેનમાં ટેકનિકલ ફોલ્ટ થયો હોવાની જાણ છતાં પણ કોઈપણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નહોતી. જેના કારણે મોટી સંખ્યામાં મેટ્રો ટ્રેનના મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા માઈક મારફતે મુસાફરોને જાહેરાત કરવામાં આવી હતી કે, ટેક્નિકલ ફોલ્ટના કારણે થલતેજ ગામવાળો રૂટ બંધ રહેશે. વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક અને એપરલ પાર્કથી વસ્ત્રાલ ગામ સુધી મેટ્રો ટ્રેન ચાલુ રહેશે.
વસ્ત્રાલથી થલતેજ તરફના રૂટમાં શાહપુર અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન ખાતે કેબલ ચોરી થવાની ઘટના બની હતી. જેના કારણે મેટ્રો સેવા બંધ કરવી પડી હતી. જોકે, આ સમગ્ર મામલે કોઈ પણ પ્રકારની જાહેરાત થઈ નહોતી. જ્યારે મેટ્રો સ્ટેશન પર લોકો આવ્યા અને ટ્રેન નથી આવતી તેની જાણ થઈ ત્યારે ખબર પડી હતી કે, મેટ્રો રેલ સેવા બંધ કરવામાં આવી છે. મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રેલ સેવા ટેક્નિકલ કારણોસર બંધ કરવામાં આવી છે તેની જાહેરાત પણ માઇક દ્વારા મોડેથી કરવામાં આવી હતી.
મેટ્રો ટ્રેન બંધ થવાના કારણે વસ્ત્રાલથી થલતેજ એસજી હાઇવે અને શહેરના કોટ વિસ્તારમાં નોકરી-ધંધે જવા વાળા લોકો સવારથી હેરાન થયા હતા. પૂર્વ વિસ્તારમાંથી પશ્ચિમ વિસ્તારમાં નોકરીએ જનારા લોકોને મેટ્રો ટ્રેનમાં જવાના બદલે બસ અથવા રીક્ષામાં ખાનગી વાહનો કરી અને જવાનો વારો આવ્યો હતો.