અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાના ચૂંટણી વર્ષમાં ગેરકાયદે બાંધકામોનો મુદ્દો સળગ્યો છે ત્યારે ભાજપને માટે કોઇ વિપરીત પ્રત્યાઘાતો ન સર્જાય તેની કાળજી રાખીને રાજ્ય સરકાર ફરી એક વખત ઇમ્પેક્ટ ફીનો કાયદો લાગુ પાડીને ગેરકાયદે ઇમારતોને ગેરકાયદેસર બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. આ માટે તૂર્તમાં વટહુકમ જારી કરવામાં આવશે તેવા નિર્દેશ સાંપડ્યા છે.
મિલકત નિર્માણમાં જીડીસીઆરના નિયમોનો ભંગ કરનાર અને કમ્પ્લીશન સર્ટિફીકેટ નહીં મેળવનારા મિલકત માલિકોને રાહત આપવાના ઇરાદે અને તેઓના બાંધકામ કાયદેસર કરી જ દેવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર વટહુકમ લાવશે. અદાલતમાં જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન ખુદ રાજ્ય સરકારે જ કબૂલ્યું હતું કે 85 ટકા ઇમારતોમાં કમ્પ્લીશન નિયમોનો ભંગ થયેલો છે. પ્રાપ્ત એક રિપોર્ટ મુજબ ઇમ્પેક્ટ ફી વસૂલીને ગેરકાયદે ઇમારતોને કાયદેસરતા આપવા માટે રાજ્ય સરકારે મુસદ્દો તૈયાર કરી લીધો છે અને ચાલુ મહિનાના અંત સુધીમાં જ એ જાહેર કરી દેવામાં આવશે.
ભૂતકાળમાં પણ બે વખત રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફી વસૂલીને ગેરકાયદે ઇમારતોને કાયદેસરતા આપી છે અને હવે ત્રીજી વખત આ પ્રકારનો કાયદો લાગુ કરવાની તૈયારી છે. આ પૂર્વે 2001 અને 2011માં ઇમ્પેક્ટ ફી કાયદો લાગુ કરીને ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરી દેવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ પણ ગેરકાયદે બાંધકામો ચાલુ રહેતા રાજ્ય સરકાર ફરી વખત તેને કાયદેસર કરવાની તૈયારીમાં છે. રાજ્યમાં ચાલુ વર્ષે વિધાનસભા ચૂંટણી છે તેને લક્ષમાં રાખીને જ ઇમ્પેક્ટ ફી કાયદો લાવવાની વિચારણા હોવાનું મનાય છે.