અમદાવાદ: શહેરમાં વધુ એક ગોઝારી ઘટના ઘટી છે. શહેરના નવા વાડજમાં શ્રીનાથ એ.એમ.ટી.એસ ડેપોની દીવાલ ધરાશાયી થઈ છે. આ દીવાલ ધરાશાયી થતાં તેના કાટમાળમાં દટાયેલા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ સાથે કેટલાક વાહનો પણ દટાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ગોઝારી દુર્ઘટના બાદ સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયરની ટીમ ત્યાં પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મંગળવારે (16 સપ્ટેમ્બર) સવારે નવા વાડજ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની AMTS શ્રીનાથ બસ ડેપોની દીવાલ ધરાશાયી થઈ હતી. આ ત્યાં પાસે ઊભેલા એક 30 વર્ષનો સુરેશ ભરવાડ નામનો યુવક કાટમાળમાં દટાયો હતો. જોકે, દીવાલ પડતાની સાથે જ સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યુવકને કાટમાળમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ સિવાય આસપાસ રહેલા વાહનોને પર દીવાલ પડતા વાહનોને પણ ભારે નુકસાન થયું હતું.
સ્થાનિક લોકોના આક્ષેપ પ્રમાણે, આ દીવાલ વર્ષોથી જર્જરિત હાલતમાં હતી. જેથી આ અંગેની બેથી ત્રણ વાર રજૂઆત કરવામાં આવી હતી. જોકે, આ ફરિયાદ તંત્રએ કાને ન ધરતા કોઈપણ કામ અહીં કરવામાં આવ્યું ન હતું.લોકોના આરોપ પ્રમાણે, તંત્રને રજૂઆત કર્યા બાદ પણ ફરિયાદ ન સાંભળતા આ યુવાનનો ભોગ લેવાયો છે. જેના કારણે લોકોમાં ઘણો જ આક્રોશ છવાયો છે.