અમદાવાદ : શહેરના પાલડી વિસ્તારમાં “ઘર ફૂટે ઘર જાય” જેવી ઘટના બની હતી. જેમાં શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘ, શાંતિવન ના દેરાસરમાં એક ચૌંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે, જેમાં અંદાજે 1 કરોડ 64 લાખ ની કિંમતની 117 કિલોથી વધુ ચાંદીની મત્તા ગાયબ થઈ ગઈ છે. આ ચોરીમાં મંદિરના જ પૂજારી, સફાઈ કર્મચારી અને તેની પત્નીની સંડોવણી હોવાનું CCTV ફૂટેજ અને પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પાલડી વિસ્તારમાં આવેલા ન્યૂપીનલ પાર્ક સોસાયટીમાં રહેતા રાજેશ શાહે પાલડી પોલીસ સ્ટેશનમાં મેહુલ રાઠોડ (રહે, નંદધામ એપાર્ટમેન્ટ, વાસણા), કિરણ વાઘરી (રહે, હરિચંચલ ફ્લેટ, પાલડી) અને પુરી ઉર્ફે હેતલ વાઘરી વિરુદ્ધ 1.64 કરોડની ચોરીની ફરિયાદ કરી છે. રાજેશ શાહ સંયુક્ત પરિવારમાં રહે છે અને માણેકચોક ખાતે આવેલી રાજ ઓર્નામેન્ટ નામની શોપ ધરાવીને ધંધો કરે છે. આ સિવાય રાજેશ શાહ પાલડી ખાતે આવેલી શ્રી લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં 14 વર્ષથી સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે.
ફરિયાદની વિગતો અનુસાર, આ ચોરીની ઘટના 27/07/2023 થી 08/10/2025 દરમિયાન બની હોવાનું માનવામાં આવે છે. 8 તારીખના રોજ સવારે ૧૧ વાગ્યાના સુમારે સેક્રેટરી રાજેશ શાહ અને અન્ય ટ્રસ્ટી અલ્પેશ પરીખ ભગવાન શીતલનાથ અને વાસુપૂજ્ય સ્વામીની આંગી (ચાંદીનું ખોયું) લોકરવાળા ભોંયરામાં મૂકવા જતાં તે મળી આવી ન હતી.આથી આ અંગે ટ્રસ્ટના અન્ય સભ્યોને જાણ કરવામાં આવતા સભ્યો દેરાસર આવી ગયેલા અને ભગવાનને ચઢાવવામાં આવેલ આંગીની ચોરી થઈ હોવાનું જાણવા મળતા તેમણે લોકરવાળા ભોંયરામાં અન્ય કિમંતી ચીજવસ્તુની ચોરી થયેલ છે કે કેમ? તે અંગે તપાસ કરી હતી અને આ દરમિયાન દેરાસરના ગર્ભગૃહમાંથી અને ભોંયરામાં રાખેલા ચાંદીના પુંઠીયા (શણગારની પ્લેટો), ભગવાન શીતલનાથ અને વાસુપૂજ્ય સ્વામીની ચાંદીની આંગી, મુગટ અને કુંડળ સહિત કુલ 117કિલો 336 ગ્રામ ચાંદી ગાયબ થઈ ગઈ હતી. જેની કુલ કિંમત 1,64,11,240/- આંકવામાં આવી છે.
ત્યારબાદ ફરિયાદી અને ટ્રસ્ટના સભ્યો દ્વારા CCTV ફૂટેજની ચકાસણી કરવામાં આવતા ચોંકાવનારો ખુલાસો થયો હતો, દેરાસરના પૂજારી મેહુલ હરીસિંહ રાઠોડ તા. 08/10/2025 ના રોજ બપોરે પોણા ત્રણ વાગ્યાના અરસામાં CCTV કેમેરાની મુખ્ય ઇલેક્ટ્રિક સ્વિચ બંધ કરતા અને સાંજે સવા પાંચ વાગ્યે ફરીથી ચાલુ કરતા જોવા મળ્યો હતો. આ અંગે તેના સગા મોટાભાઇ અને દેરાસરના અન્ય પુજારી દિનેશ હરીસિંહ રાઠોડને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે પુજારી મેહુલ હરીસિંહ રાઠોડ તા: 09 ઓકટોબરથી સવારના સાડા 6 વાગ્યે દેરાસરથી ક્યાંક જતો રહ્યો છે અને હજી સુધી પરત આવ્યો નથી.
તે ઉપરાંત આ ચોરીમાં સફાઈ કર્મચારીની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું હતું. દેરાસરમાં સફાઈ કામ કરતા કિરણ તથા તેની પત્ની પુરીબેન ઉર્ફે હેતલબેન વાધરી પણ કામ પર હાજર નથી અને ટ્રસ્ટના ફ્લેટમાંથી ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. આ દંપતીનો સંયુક્ત પગાર માત્ર દસ હજાર હોવા છતાં, તેઓએ થોડા સમય પહેલાં જ વિસનગર ખાતે એક ટેનામેન્ટ મકાન અને એક મહિન્દ્રા પીક-અપ ફોર વ્હીલર ખરીદ્યું હતું.
લોકરવાળા ભોંયરાની ચાવીઓ પૂજારી મેહુલ રાઠોડ અને તેના ભાઈ દિનેશ રાઠોડ પાસે રહેતી હતી. પોલીસને શંકા છે કે પૂજારી મેહુલ રાઠોડે સફાઈ કર્મચારી કિરણ અને તેની પત્ની પુરીબેનની મદદગારીથી આ કરોડો રૂપિયાની ચાંદીની મત્તાની ચોરી કરી છે. પાલડી પોલીસે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.