અમદાવાદ: વધુ એક મોંઘવારીનો ડામ લાગ્યો છે. અમૂલના લિટર દૂધમાં બે રૂપિયાનો વધારો થયો છે. અમૂલ ગોલ્ડના લિટરે 60ના બદલે 62 રૂપિયા ભાવ થયો છે. જ્યારે અમૂલ શક્તિ દૂધમાં લિટરે બે રૂપિયાનો વધારો થયો છે.જે આગામી 17 ઓગસ્ટથી લાગૂ થશે.
ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (અમૂલ ફેડરેશન),કે જેમના દ્વારા અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરવામાં આવે છે તેમના દ્વારા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત, દિલ્હી એનસીઆર, મુંબઈ, પશ્ચિમ બંગાળ અને અન્ય તમામ બજારોમાં તારીખ ૧૭ ઓગસ્ટ ૨૦૨૨થી દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. ૨ નો વધારો કરવાનો નિર્ણય લીધો છે.
અમદાવાદ અને સૌરાષ્ટ્રના બજારોમાં અમૂલ ગોલ્ડનો ભાવ રૂ. 31 પ્રતિ 500 મિલી, અમૂલ તાજા રૂ. 25 પ્રતિ 500 મિલી અને અમૂલ શક્તિ રૂ. 28 પ્રતિ 500 મિલી, પ્રતિ લિટર રૂ. 2નો વધારો કરવામાં આવ્યો છે. જે સરેરાશ ખાદ્ય ફુગાવો કરતાં ઓછો છે. આ ભાવવધારો એકંદર કામગીરી અને દૂધ ઉત્પાદન ખર્ચમાં વધારાને કારણે કરવામાં આવ્યો છે.