અમદાવાદ : તાજેતરમાં જ સત્તાવાર રીતે અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાની મહોર લાગી ચૂકી છે. પરંતુ સાથે અમદાવાદને 2036ની ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાની પણ મંજૂરી મળશે. ત્યારે કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકની તૈયારીના ભાગરૂપે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ ઓથોરિટીએ વધુ 83 કિમીના નવા રૂટનું આયોજન કરી નાખ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ ઓથોરિટીએ જે-તે સમયે મુસાફરોને અગવડતા ન પડે તે હેતુસર એક સકારાત્મક નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે પાલડી મેટ્રો સ્ટેશનથી દાણીલીમડા થઈને ગીતા મંદિર થઈને કાંકરિયાના રૂટથી એપેરલ પાર્કને જોડતા સાડા 9 કિમીના આ નવા રૂટનો DPR તૈયાર થઈ રહ્યો છે. નવા રૂટનો DPR સરકારને મોકલાયો છે. તમને જણાવી દઇએ કે, રૂ. 2,850 કરોડના ખર્ચે આ નવો રૂટ બનશે. એ પણ આવનારા 4 વર્ષમાં જ તૈયાર કરી દેવાનું તંત્રનું આયોજન છે.
તદુપરાંત આ મેટ્રોનો સર્ક્યુલર રૂટ 35.74 કિમીનો રહેશે, જે 10,675 કરોડના ખર્ચે તૈયાર થશે. આ રૂટ વાસણા APMC સ્ટેશનથી આગળ વધીને પિપળજ, નારોલ, સીટીએમ, બાપુનગર થઇને નરોડા અને ત્યાંથી સિવિલ થઇને RTO સર્કલના હાલના સ્ટેશન સાથે જોડાઇ જશે. આ રૂટનો DPR પણ સરકારમાં સબમિટ કરી દેવાયો છે. શહેરને ધોલેરા એક્સપ્રેસ વે સાથે જોડતા સનાથલના રૂટ પર દોડાવવાનું પણ આયોજન થયું છે. પરંતુ સરકારની મંજૂરી મળ્યા બાદ પ્લાનને અમલમાં મૂકાશે.


