અમદાવાદ : શહેરના દાણીલીમડા વિસ્તારમાં દિવ્યાંગ યુવતી પર થયેલા દુષ્કર્મ કેસના આરોપીએ રિકન્સ્ટ્રકશન દરમિયાન પોલીસ પર હુમલો કરી ભાગી જવાનો પ્રયાસ કરતા PIએ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. આરોપીના પગમાં ગોળી વાગતા તેને સારવાર માટે ખસેડાયો છે. જ્યારે એક હેડ કોન્સ્ટેબલ પણ ઈજાગ્રસ્ત થતા તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્ક્રમના કેસમાં ધરપકડ કરાયેલા મોઇનુદ્દીન તરીકે ઓળખાતા આરોપીને પોલીસે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક માટે ગુનાના સ્થળે લઈ ગયા હતા. ત્યારબાદ આરોપીએ પોલીસ પર હુમલો કર્યો અને ભાગવાનો પ્રયાસ કર્યો. તેણે ઘટનાસ્થળે હાજર પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ઇમરાન ઘાસુરા પાસેથી હથિયાર છીનવી લેવાનો પ્રયાસ કર્યો. PIએ ગોળી ચલાવી, જે આરોપીને પગમાં વાગી.
બળાત્કારના આરોપી અને પોલીસ અધિકારીઓ વચ્ચેના સંઘર્ષ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ રાઠોડ ઘાયલ થયા. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બંનેની સ્થિતિ હાલમાં સુધારા પર છે અને ખતરાથી બહાર છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપી સામે ભાગી જવાનો પ્રયાસ અને સરકારી કર્મચારી પર હુમલો કરવા બદલ વધારાના ગુનાઓ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
તમને જણાવી દઈએ કે દાણીલીમડા વિસ્તારમાં મોડી રાત્રે એક અજાણ્યા શખ્સે એક અપંગ છોકરી પર બળાત્કાર ગુજાર્યો હતો. ગુનો નોંધાયાના ચાર દિવસમાં જ ક્રાઈમ બ્રાન્ચે માનસિક રીતે અસ્વસ્થ આરોપીની ધરપકડ કરી હતી. અપંગ છોકરી મોડી રાત્રે તેના ઘરેથી શેરીમાં આવી હતી, જ્યાં આરોપીએ પરિસ્થિતિનો લાભ લઈને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.


