અમદાવાદ : અમદાવાદીઓ માટે એક અગત્યના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદનો મહત્ત્વપૂર્ણ એવો સુભાષબ્રિજ તેના નિર્માણ બાદ ચાલી રહેલી ટેસ્ટિંગની કામગીરીને કારણે હજુ એક અઠવાડિયા સુધી બંધ રહેશે.જેના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને ઓફિસ સમય દરમિયાન વાડજ સર્કલ ખાતે ખૂબ જ ટ્રાફિક જોવા મળે છે અને વાહનચાલકો ટ્રાફિક જામથી પરેશાન છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક ખુદ વાડજ સર્કલ ખાતે પહોંચ્યા હતા અને ટ્રાફિકની સમસ્યા તથા તેના નિરાકરણ માટેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.ટ્રાફિક સમસ્યા અંગે જણાવ્યું હતું કે, ‘સુભાષબ્રિજ બંધ થયા પછી ટ્રાફિકના ઈશ્યુ વધ્યા છે, જેમાં વાડજ સર્કલ નજીક સૌથી વધુ મશ્કેલી પડી રહી છે. આ સમસ્યાના ઉકેલ માટે બ્રિજનું નિરીક્ષણ કરીને ત્યાં હાજર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને સૂચના આપી છે કે રોડને સાંકડો કરનારા જે થોડા રેસ્ટિક્શન રાખ્યા છે, તેને 24 કલાકની અંદર હટાવી લેવામાં આવે જેથી રોડ થોડો પહોળો થઈ જશે અને ટ્રાફિક હળવો થશે.’
ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અંગે પોલીસ કમિશનર જી. એસ. માલિકે જણાવ્યું કે, ‘જૂના વાડજ બ્રિજની આસપાસ જે બેરીકેડ અને પતરાં લગાડ્યા છે અને જેનું કામ પૂરું થઈ ગયું છે, તે પતરાંને પણ 24 કલાકની અંદર હટાવી લેવામાં આવશે, જેથી ટ્રાફિક ઇઝી જઈ શકે. વચ્ચે રાખેલા બેરીકેડ પણ દૂર કરવામાં આવશે. ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે, તેઓ રેગ્યુલર પોલીસ સ્ટેશનમાંથી 250 પોલીસકર્મીને આજે જ ટ્રાફિક માટે ઓર્ડર કરવાના છે. 14 ટ્રાફિક પોલીસ સ્ટેશનોમાંથી અમુક પોલીસ સ્ટેશનોને ઓર્ડર આપવામાં આવશે, જેની લિસ્ટ તૈયાર થઈ ગઈ છે, અને આ 250 લોકો માત્ર આટલા એરિયાની અંદર જ તહેનાત થશે.’
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સૂત્રોના જણાવ્યા મુજબ બ્રિજની સુરક્ષા અને ગુણવત્તા તપાસવાની આ કામગીરી આગામી 15 ડિસેમ્બર, 2025 સુધી ચાલવાની છે. સુભાષબ્રિજ પરના ટ્રાફિકને ફરીથી શરૂ કરતા પહેલા તેના માળખાકીય ગુણવત્તાની સંપૂર્ણ ચકાસણી કરવી જરૂરી છે. આ મહત્ત્વપૂર્ણ કામગીરી માટે ત્રણ અલગ-અલગ એજન્સીઓ અને કન્સલ્ટન્ટ્સની ટીમ કામે લાગેલી છે. આ નિષ્ણાતો દ્વારા બ્રિજના વિવિધ ભાગોના ટેસ્ટિંગ અને વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સૂત્રોના જણાવ્યા મુજબ, એક અઠવાડિયા સુધી બ્રિજના ઇન્સ્પેક્શન અને ટેસ્ટની કામગીરી અલગ અલગ એજન્સીઓ દ્વારા કરવામાં આવશે. એ તમામ એજન્સીઓનાં સૂચનો અને રિપોર્ટના આધારે રાજ્ય સરકાર નિર્ણય લેશે.


