અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના યુ.સી.ડી. વિભાગ હંમેશાં શહેરમાં ભટકતા, તકલીફમાં મુકાયેલા તેમજ સંવેદનશીલ પરિસ્થિતિમાં આવેલા નાગરિકોને મદદરૂપ થવા માટે સતત કાર્યરત છે. માનવતાની ભાવનાને કેન્દ્રમાં રાખીને કાર્ય કરતા આ વિભાગે એક વધુ સરાહનીય કામગીરી કરી છે, જે માનવીય સેવાભાવનું મંત્રને સાર્થક કરે છે.
અમદાવાદના આચાર્ય મહાપ્રજ્ઞજી બ્રિજ નીચે આવેલ આશ્રય ગૃહ ખાતે હર્ષ ઓમપ્રકાશ પાસવાન નામના એક વ્યક્તિને આશ્રય અપાયો હતો. હર્ષ ઓમપ્રકાશ પાસવાન મગજની તકલીફને કારણે વાપી સ્થિત તેમના ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગયા હતા અને અમદાવાદ શહેર સુધી આવી પહોંચ્યા હતા. શહેરમાં ગમેતેમ ભટકતી હાલતમાં તેમને આનંદ ચૌહાણ નામના એક સંવેદનશીલ નાગરિકે ઓળખી લીધા હતા અને તેમને સુરક્ષા અને સહાય મળે તે માટે આશ્રય ગૃહ ખાતે લાવવામાં આવ્યા હતા.
પરિવાર સાથે સંપર્ક અને સુરક્ષિત હસ્તાંતરણ થાય તે માટે આશ્રય ગૃહ ખાતે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, હર્ષ પોતાનો ઘરનો રસ્તો અને પરિવારથી સંબંધિત ચોક્કસ માહિતી યાદ રાખવામાં અસમર્થ છે. તેમ છતાં તેઓ પોતાની બહેનનો મોબાઇલ નંબર આપી શક્યા હતા. યુ.સી.ડી.ની ટીમે તરત જ તેમના પરિવારનો સંપર્ક કર્યો. ત્યારબાદ તેમના પરિવારજનો વાપીથી ખાસ અમદાવાદ આવ્યા અને આશ્રય ગૃહ ખાતે હાજર થયા હતા.જરૂરી ચકાસણી બાદ હર્ષ ઓમપ્રકાશ પાસવાનને તેમના પરિવારના હવાલે સુરક્ષિત રીતે સુપરત કરવામાં આવ્યા હતા.
આ કામગીરીથી ફરી એકવાર સાબિત થઈ ગયું છે કે AMC ના યુ.સી.ડી. વિભાગ દ્વારા શહેરમાં માનવીય મૂલ્યો અને સેવાને કેન્દ્રમાં રાખીને સતત ઝડપી અને અસરકારક કામગીરી થઈ રહી છે. આવા દરેક પ્રયાસો શહેરમાં સુરક્ષા, સંવેદના અને સહઅસ્તિત્વના ભાવને વધુ મજબૂત બનાવે છે. યુ.સી.ડી. વિભાગ દ્વારા શહેરમાં માનવીય મૂલ્યો અને સેવાને કેન્દ્રમાં રાખીને સતત ઝડપી અને અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.


