અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે યોગ્ય મંજૂરી વિના ગેરકાયદેસર કામગીરી સામે કડક કાર્યવાહીમાં ચાલતી અનેક ફૂડ કોર્ટ અને કાફેને સીલ કરી દીધા છે. આ ફૂડ કોર્ટ બી.યુ. વગર કાર્યરત જોવા મળી હતી. જેમાં બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાની મિલકતો જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હોસ્પિટલો બાદ હવે ફૂડ કોર્ટ સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એસજી હાઇવે, રીંગરોડ, હેબતપુર, ગોતા સહિતના વિસ્તારોમાં બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાના 6 ફૂડ કોર્ટને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યા છે. મોટાભાગના ફૂડ કોર્ટમાં લાકડા અને શેડ બનાવીને ફૂડ કોર્ટ ઊભા કરી દેવામાં આવે છે કોઈપણ પ્રકારના પ્લાન પાસ કરવામાં આવતા નથી જેના પગલે આવા ફૂડ કોર્ટને સીલ કરવામાં આવી રહ્યા છે.
ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા એસજી હાઇવે અને ગોતા વિસ્તારમાં બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાના ફૂડ કોર્ટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બીયુ પરવાનગી નહોતી અને અવારનવાર ઈમ્પેક્ટ ફી માટે જાણ કરવા છતાં પણ કાર્યવાહી ન કરતા 6 ફૂડ કોર્ટ સીલ કરવામાં આવ્યા છે. આગામી દિવસમાં શહેરના તમામ વિસ્તારોમાં આવા ફૂડ કોર્ટ સામે કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા બીયુ પરમિશન અને ફાયર સેફ્ટીને લઈને કડક પગલાં ભરવા માટેની સૂચના આપી હતી ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકતોમાં ચેકિંગ કરી નોટિસ આપી કાર્યવાહી કરી હતી. પરંતુ ફરી એકવાર 50થી વધારે લોકો જાય એક સાથે ભેગા થતા હોય એવી બિલ્ડીંગોમાં તપાસ કરી છે.
થલતેજ અને બોડકદેવ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સૌમ્ય અને રશ્મિ આઇકોન નામની ઓન ગોઇંગ કન્સ્ટ્રક્શન સાઈટ દ્વારા પર્યાવરણની જાળવણી અંગેના કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ગ્રીન નેટ કે સેફ્ટી નેટ લગાવવામાં આવી નથી. જેના પગલે ઉત્તર-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ઓન ગોઇંગ કન્સ્ટ્રક્શન સાઈટને 25000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે


