અમદાવાદ : અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા પરિશ્રમ એલિગન્સ નામના કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી, જેમાં 50થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આગની ઘટના સાયન્સસિટી વિસ્તારમાં આવેલા આવેલા પરિશ્રમ એલિગન્સ કોમ્પ્લેક્સના ત્રીજા માળે બની હતી. કોમ્પ્લેક્સમાંથી લિફ્ટમાં કેટલાક લોકો ફસાયા હોવાના મેસેજ મળતાં ફાયર બ્રિગેડની આઠ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ ફાયર બ્રિગેડ દ્વારા અત્યાર સુધીમાં 50 જેટલા લોકોને રેસ્ક્યૂ કરીને સુરક્ષિત રીતે નીચે લાવવામાં આવ્યા છે.
બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ફાયર વિભાગ દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત લિફ્ટમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા આવ્યા હતા. આ આગ કયા કારણોસર લાગી અને તેમાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા થઈ છે કે કેમ, તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.


