અમદાવાદ : કોમનવેલ્થ ગેમ્સ અને ઓલમ્પિક્સને લઈને અમદાવાદમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આઇકોનિક રોડ બનાવવામાં આવ્યા છે. વૈષ્ણોદેવી સર્કલથી સરખેજ ઉજાલા સુધી આઇકોનિક ડસ્ટ ફ્રી રોડ બનાવવામાં આવશે, જેનો પહેલો ફેઝ પકવાન સર્કલથી શરૂ કરી ઇસ્કોન બ્રિજના છેડા સુધીનો રોડ હાલ પૂર્ણ થવા આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના હાર્દ સમા એસ.જી હાઇવેને ડસ્ટ ફ્રિ કરવાનું મિશન સરકારે હાથમાં લીધું છે. એસ.જી હાઇવેને સંપૂર્ણપણે ડસ્ટ ફ્રિ બનાવી દેશનો સર્વશ્રેષ્ઠ રોડ બનાવવાનો સંકલ્પ સરકારે કર્યો છે. એટલું જ નહીં મુખ્ય રસ્તાઓ પર દર સો મીટરે લાગેલા કટના કારણે અકસ્માતો વધ્યા છે, ત્યારે એવા બિનજરૂરી કટ દૂર કરવાની કામગીરીનું પણ આયોજન છે.
એસજી હાઇવે અને સર્વિસ રોડની વચ્ચેના ભાગે આઇકોનિક પ્લેસ મેકિંગ કરવામાં આવ્યું છે. લેન્ડસ્કેપિંગ, બેસવાની વ્યવસ્થા તેમજ જીમ અને ફાઉન્ટેનની આધુનિક કક્ષાની સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ડિસેમ્બર મહિનાના અંતમાં આઇકોનિક અને ડસ્ટ ફ્રી રોડ બનીને તૈયાર થઈ જશે અને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે.
તો ચાલો અમદાવાદીઓ તૈયાર થઈ જાવ વિદેશને પણ ઝાંખા પાડે તેવા હાઇવેને ફીલ કરવા. હાલ તો પકવાન સર્કલથી ઈસ્કોન બ્રિજ જશો તો લેન્ડસ્કેપિંગ, ગજેબો, જીમ ને ફાઉન્ટેન જોઈ તમારી સ્પીડ આપોઆપ ઓછી થઈ જશે.


