અમદાવાદ : સાઇબર ગઠિયાઓએ વૃદ્ધ મહિલાને ડિજિટલ એરેસ્ટ કરીને તેમને ડરાવી, ધમકાવી 33.35 લાખ રૂપિયાની માગણી કરી હતી. મહિલા જ્યારે ડરીને એક સાથે બેંકમાંથી આટલી મોટી રકમના ટ્રાન્જેક્શન કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે બેંક કર્મચારીઓને શંકા જતા પોલીસને જાણ કરી હતી. સાયબર ક્રાઇમની ટીમ જયારે બેંકમાં પહોંચી ત્યારે મહિલાએ ડિજિટલ એરેસ્ટ અંગે જાણ કરી હતી. મહિલાનું કાઉન્સેલિંગ કરી ડિજિટલ એરેસ્ટના ફ્રોડ વિશે તેમને સમજાવ્યાં હતાં.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના મણિનગરમાં રહેતા એક સિનિયર સિટીઝન મહિલાને સાઇબર ક્રિમિનલ્સ દ્વારા ડિજિટલ અરેસ્ટનો શિકાર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં 5 ડિસેમ્બર થી 10 ડિસેમ્બર સુધી પાંચ દિવસ વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટ બનાવી રૂપિયા પડાવવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. દસ ડિસેમ્બરના રોજ મહિલા મણિનગરની બેંકમાંથી પોતાની એફડી ઉપાડી અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે ઉતાવળ કરે છે. તેવી માહિતી મળતા બેંક મેનેજર અભિષેક સિંઘે સાયબર ક્રાઈમની મદદ માગી હતી. જે બાદ તપાસ કરતાં હકીકત સામે આવી કે મહિલા ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા છે અને પોતે ડરતા હોવાથી રૂપિયા ટ્રાન્સફર કરવા તૈયાર થયા હતા
સાયબર ક્રાઇમએ વૃદ્ધાની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે પાંચ ડિસેમ્બરના રોજ મહિલાને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે ધમકાવવામાં આવ્યા હતા અને તેમના આધારકાર્ડના આધારે કેનેરા બેન્કમાં એક એકાઉન્ટ ખોલી તેમાં અલગ અલગ કરોડો રૂપિયાના વ્યવહાર થયા હોવાનું જણાવી ધરપકડનો ડર બતાવવામાં આવ્યો હતો. જે બાદ તે ધરપકડથી બચવા 33.35 લાખ રૂપિયા જમા કરાવવા બેંક એકાઉન્ટ નંબર આપવામાં આવ્યો હતો. સાથે જ જ્યારે વૃદ્ધા બેંકમાં રૂપિયા જમા કરાવવા ગયા તે સમયે પણ આરોપીઓ દ્વારા સતત વિડીયો કોલ કરી તેની માહિતી મેળવવામાં આવતી હતી. જેના આધારે સાયબર ક્રાઇમ નીતિને વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટથી અવગત કરી છેતરપિંડીનો ભોગ બનતા અટકાવ્યા છે.
ડિજિટલ અરેસ્ટનો ભોગ બનેલા વૃદ્ધા બેંકના અધિકારી કે સાયબર ક્રાઇમની એક પણ વાત સાંભળવા તૈયાર ન હતા. અને આરોપી દ્વારા આપવામાં આવેલી માહિતી સાચી માની અધિકારીઓ સાથે પણ બાખડી પડ્યા હતા. જોકે સાયબર ક્રાઇમે વૃદ્ધાને બચાવવા માટે તેમના પરિવારને બોલાવી માહિતી આપી હતી. જેથી મહિલાને બચાવી શકાયા. પરંતુ સાયબર ક્રાઇમના ગુનામાં વ્યક્તિની સતર્કતા જ તેનો બચાવ છે તે વાત પણ માનવી જરૂરી છે.


