અમદાવાદ : અમદાવાદમાં ગઈકાલે સાયન્સ સીટી વિસ્તારમાં આવેલ કોમ્પ્લેક્સમાં લાગેલ આગ બાદ સતત બીજા દિવસે ચાંદખેડા વિસ્તારમાં પેલેડિયમ બિઝનેસ હબમાં આગનો બનાવ બન્યો હતો. શનિવારના બપોરના સમયે એકાએક ચાંદખેડા વિસ્તારના જાણીતા પેલેડિયમ બિઝનેસ હબના બીજા માળે આગ લાગી હતી. જે અંગેની જાણ થતા ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ ફાયર વિભાગના કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જહેમતબાદ આગ કાબૂમાં આવી હતી. આ આગને લીધે આસપાસના લોકોમાં ભયનો માહોલ જામ્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ચાંદખેડામાં આવેલા વિસત ગાંધીનગર હાઈવે પર 4D મૉલની સામે આવેલા પેલેડિયમ બિઝનેસ હબના બીજા માળે આવેલા મલબેરી થાઈ સ્પા નામના સ્પા સેન્ટરમાં આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં 6થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ફાયરના ઉચ્ચ અધિકારીઓ અને જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવામાં આવી હતી.હાલ તકેદારીના ભાગરૂપે તાત્કાલિક બિલ્ડિંગનું કોમ્પલેક્ષ સંપૂર્ણપણે ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. જોકે સદનસીબે કોઈ જાનહાનિના કે કોઈ ફસાયું હોવાના અહેવાલ નથી.
આગના ગોટેગોટા દેખાતા આસપાસના લોકોમાં ડરનો માહોલ દેખાયો છે. હાલ આગ લાગવાનું કારણ કોઈ ચોક્કસ સામે આવ્યું નથી. પોલીસ અને ફાયરના જવાનો દ્વારા આગના બનાવનું કારણ શોધવામાં આવી રહ્યું છે. પેલેડિયમ બિઝનેસ હબના બીજા માળે આવેલા એક શૉ રૂમમાં આગ લાગી હતી. આ ભીષણ આગમાં માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
આગ બુઝાવવાની કામગીરી માટે કુલ 17 વાહનો સ્થળ પર કાર્યરત કરવામાં આવ્યા હતા, જેમાં 5 વોટર બાઉઝર (20 KL), 2 મિનિ ફાઇટર, 6 ફર્સ્ટ રિસ્પોન્ડર (બોલેરો), 2 એમ્બ્યુલન્સ, 1 ફર્સ્ટ રિસ્પોન્ડર સોકરપ્યો તથા 1 ઇમર્જન્સી ટેન્ડરનો સમાવેશ થાય છે. આગ પર કાબૂ મેળવવા માટે કુલ અંદાજિત 1,00,000 લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરીમાં કુલ 56 ફાયર કર્મચારીઓ જોડાયા હતા.
આ અગાઉ સાયન્સસિટી વિસ્તારમાં આવેલા આવેલા પરિશ્રમ એલિગન્સ કોમ્પ્લેક્સના ત્રીજા માળે બની હતી. કોમ્પ્લેક્સમાંથી લિફ્ટમાં કેટલાક લોકો ફસાયા હોવાના મેસેજ મળતાં ફાયર બ્રિગેડની આઠ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ ફાયર બ્રિગેડ દ્વારા અત્યાર સુધીમાં 50 જેટલા લોકોને રેસ્ક્યૂ કરીને સુરક્ષિત રીતે નીચે લાવવામાં આવ્યા છે.


