અમદાવાદ : બાળકોમાં વધતી જંકફૂડની પસંદ અને તેના કારણે વધતી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પર અંકુશ મુકવા માટે શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ‘લંચબોક્સમાં નો જંકફૂડ’ કેમ્પેઇન શરૂ કરાશે. આ કેમ્પેઇનમાં શહેરની 1500થી વધુ સ્કૂલોના 2 લાખ જેટલા વિદ્યાર્થીઓને સાંકળી લેવાશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, બાળકોની હેલ્થની સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. શાળાઓમાં માત્ર પેક્ડ ફૂડ પર જ પ્રતિબંધ છે, પરંતુ હવે જંકફૂડ પર પણ કડક કાર્યવાહી કરવી પડશે. અમદાવાદ શહેરના ડીઈઓ રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, “બાળકોના હેલ્થ સાથેનો મુદ્દો હોવાથી દરેક સ્કૂલોનો સાથ લેવાશે. જ્યાં સ્કૂલો મૂંઝવણ અનુભવશે ત્યાં અમે સાથે રહીશું અને એક્સપર્ટ ટીમ દ્વારા વાલીઓને પણ જાગૃત કરવામાં આવશે.
માત્ર જંકફૂડ પર પ્રતિબંધ મૂકવો પૂરતો નથી, પરંતુ બાળકોને પૌષ્ટિક આહાર મળે તે પણ એટલું જ જરૂરી છે. આ માટે શહેરના જાણીતા ડાયટેશિયન અને બાળકોના ડોક્ટરોની મદદ લેવામાં આવશે. વાલીઓને બાળકો માટે કયો ખોરાક ફાયદાકારક છે અને કઈ રેસિપી બનાવી શકાય તે માટે ઓનલાઇન માર્ગદર્શન આપવાની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવશે.
ઇન્ટરનેશનલ જર્નલ ઓફ સાયન્ટિફિક રિસર્ચના અહેવાલ મુજબ, 10-15 વર્ષના અંદાજે 50% બાળકો અઠવાડિયામાં 3 થી 4 વાર ચિપ્સ, સમોસા અને ફ્રેન્ચ ફ્રાઈસ જેવું જંકફૂડ આરોગે છે. આશરે 2562 વિદ્યાર્થીઓ પર કરાયેલા સર્વેમાં આવા બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ પણ ઊંચું જોવા મળ્યું છે.જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.


