અમદાવાદ : આગામી 12મી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર આવી રહ્યા છે. જેથી ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં 12મીએ વાડજ સ્મશાનગૃહ કટથી પશ્ચિમનો રિવરફ્રન્ટ રોડ આંબેડકર બ્રિજ સુધીનો બંને તરફનો રોડ વાહનોની અવરજવર માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી વાહનચાલકોને વૈકલ્પિક રોડની અવર જવર માટે ઉપયોગ કરવો પડશે.
કયો રસ્તો બંધ રહેશે?
જાહેરનામા મુજબ, 12 જાન્યુઆરી 2026ના રોજ સવારે 7:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી નીચે મુજબનો રસ્તો તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે.
વાડજ સ્મશાનગૃહ કટ થી સાબરમતી રિવરફ્રન્ટ રોડ (પશ્ચિમ) થઈને આંબેડકર બ્રિજ સુધીનો બંને તરફનો માર્ગ વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે.
વૈકલ્પિક માર્ગ (ડાયવર્ઝન)
રિવરફ્રન્ટ રોડ બંધ હોવાથી વાહનચાલકો નીચેના માર્ગનો ઉપયોગ કરી શકશે:
વાહનચાલકો વાડજ સ્મશાન ગૃહ કટથી વાડજ સર્કલ થઈ, ઉસ્માનપુરા ચાર રસ્તા થઈ, ઇન્કમટેક્ષ ઓવરબ્રિજ મધ્યભાગ થઈ, બાટા શો-રૂમ થઈ, ડી-લાઇટ ચાર રસ્તા થઈ અને ટાઉન હોલ થઈને પાલડી ચાર રસ્તા તરફ જઈ શકશે.
જોકે, આ પ્રતિબંધમાંથી કાર્યક્રમ સાથે સંકળાયેલા વાહનો, સરકારી ફરજ પરના વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, આકસ્મિક સંજોગોમાં પસાર થતા વાહનોને મુક્તિ આપવામાં આવી છે.


