અમદાવાદ : અમદાવાદ શહેર જે હેરિટેજ મુલ્યો પર ગૌરવ લે છે તેમાં પક્ષીઓના ચણ માટે બનાવાતા ચબૂતરા પણ આગવી ઓળખ છે, અનેક વિસ્તારમાં ચબુતરા માટે કોર્પોરેટર પોતાના બજેટમાંથી ફંડ આપી ચબુતરા મુકાવે છે. પરંતુ બર્ડ અને એનિમલ ફીડીંગના કારણે ગંદકી વધી રહી છે, એવું કારણ જણાવી કોર્પોરેશનના કેટલ ન્યૂસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ વિસ્તાર તેમજ પ્રોજેકટને જોડતા તમામ રસ્તાઓ, ખુલ્લી જગ્યા ઉપર બર્ડ કે એનિમલ ફીડીંગ કરાવવા ઉપર પ્રતિબંધ મુકી દેવાયો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMC દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં જાહેર સ્થળોએ થતી ગંદકી અટકાવવા દસ સભ્યોની ટાસ્કફોર્સની રચના કરાઈ છે. આગામી સમયમાં શહેરમા આવેલા જાહેર સ્થળોએ તબકકાવાર બર્ડ અને એનિમલ ફીડીંગ ઉપર પ્રતિબંધ મુકવા કોર્પોરેશને આયોજન કર્યુ છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટાસ્કફોર્સમાં સાબરમતી રિવરફ્રન્ટના અધિકારીઓની સાથે સાબરમતી રિવરફ્રન્ટના પોલીસ ઈન્સપેકટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટાસ્કફોર્સ દ્વારા રિવરફ્રન્ટ વિસ્તારમાં બર્ડ અને એનિમલ ફિડીંગ અટકાવવા એનફોર્સમેન્ટની કામગીરી કરાશે.હવે રિવરફ્રન્ટ પર પક્ષીઓને ચણ નાંખનારને દંડ થઇ શકે છે. કૂતરાં સહિતના પ્રાણીઓ માટે રોટલી કે પછી કોઈપણ ખાદ્યપદાર્થ રિવરફ્રન્ટ પર નાખતા પકડાશો તો દંડ થશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામા આવેલા હેલ્થ બાયલોઝ-2012 અંતર્ગત બર્ડ કે એનિમલ ફીડીંગ જાહેર સ્થળોએ કરાવવા મુદ્દે પેનલ્ટીની કાર્યવાહી પણ કરાશે. 10 મે-2013ના રોજ આ હેલ્થ બાયલોઝ અમલી બનાવાયા હતા.બાયલોઝ મુજબ, શહેરમાં કોઈ વ્યકિત કે સંસ્થા દ્વારા જો જાહેરમાં ગંદકી કરવામા આવે તો કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા પેનલ્ટી કે વહીવટી ચાર્જ વસૂલ કરવામા આવે છે.
જાહેરમાં બર્ડ-એનિમલ ફીડીંગ કરાવનારને રુપિયા 100ની પેનલ્ટીની જોગવાઈ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ-2013માં અમલમાં મુકેલા હેલ્થ બાયલોઝની 50.1(7)ની જોગવાઈ મુજબ, શહેરમાં જાહેરમાં પક્ષી કે પશુઓને ફીડીંગ કરાવવા ઉપર પ્રતિબંધ મુકાયો હતો. ઉપરાંત જો કોઈ વ્યકિત જાહેરમાં પક્ષી કે પશુને ફીડીંગ કરાવે તો રુપિયા 100 પેનલ્ટી વસૂલ કરવાની જોગવાઈ છે.
જાહેરમાં ડોગ ફિડીંગ ઉપર પણ પ્રતિબંધ મુકાશે
અમદાવાદમાં બર્ડ ફિડીંગ સ્પોટ વધ્યા છે.હેલ્થ બાયલોઝ મુજબ બર્ડ કે એનિમલ ફીડીંગ ઉપર પ્રતિબંધ હોવાછતાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તેની અસરકારક અમલવારી કરાતી નથી. એમ કોર્પોરેશનના એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહયુ છે.શહેરમાં રખડતા ઢોર ઉપર પ્રતિબંધ મુકાયા પછી એનિમલ ફિડીંગ સ્પોટમાં ઘટાડો થયો છે.જો કે હવે ડોગ ફિડીંગ ઉપર પ્રતિબંધ મુકાયો છે.જેથી શહેરમાં પહેલા ડોગ ફિડીંગ સ્પોટ આઈડેન્ટીફાય કરાશે. આ પછી જાહેર સ્થળોએ ડોગ ફિડીંગ કરાવવા ઉપર પ્રતિબંધ મુકવા નોટિસ અપાશે.


