અમદાવાદ : ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદીએ આજે ગાંધીનગર સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટનું લોકાર્પણ કર્યું હતું. હવે તમે ટ્રાફિકની ચિંતા વગર સીધા અક્ષરધામ અને મહાત્મા મંદિર પહોંચી શકાશે. પીએમ મોદીએ સેક્ટર 10Aથી મહાત્મા મંદિર સુધીના 7.8 કિલોમીટર લાંબા રૂટનું લોકાર્પણ કર્યું હતું.આ સાથે જ ગાંધીનગરના આંતરિક વિસ્તારો અને અમદાવાદ વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બની છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પીએમ મોદીએ પાટનગર ગાંધીનગર ખાતે નવા નિર્મિત મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. તેમના આગમન સાથે જ સમગ્ર પરિસર ‘મોદી-મોદી’ અને ‘જય સોમનાથ’ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. મળતી માહિતી મુજબ, ગુજરાત પ્રવાસે પધારેલા વડાપ્રધાન મોદીએ ગાંધીનગરમાં મેટ્રો સ્ટશનનુ ઉદ્ઘાટન કર્યું હતું. સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટનો PM મોદીએ પ્રારંભ કરાવ્યો હતો. ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિરોકણ કરશે.
આ લોકાર્પણ બાદ અમદાવાદ મેટ્રોનું કુલ નેટવર્ક વધીને 68 કિમી થઈ જશે. નવા શરૂ થનારા 7 સ્ટેશનોમાં અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24, મહાત્મા મંદિર, સેક્ટર-10A, સચિવાલયનો સમાવેશ થાય છે. આ નવા રૂટના લોકાર્પણ બાદ ગાંધીનગર સચિવાલયમાં કામ કરતા હજારો કર્મચારીઓને હવે ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આ સાથે જ અક્ષરધામ અને દાંડી કુટીરની મુલાકાતે આવતા પ્રવાસીઓ સીધા મેટ્રો મારફતે ગાંધીનગર પહોંચી શકશે.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મેટ્રોની સવારી કરી હતી. બંને મહાનુભાવોએ મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી ટ્રેનમાં બેસીને જૂના સચિવાલય સુધી મુસાફરી કરી હતી. સામાન્ય મુસાફરોની જેમ મેટ્રોમાં સવાર થઈને તેમણે સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ મેટ્રો કનેક્ટિવિટીથી ગાંધીનગરના નાગરિકો અને સચિવાલયના કર્મચારીઓની મુસાફરી હવે વધુ સરળ બનશે.


