અમદાવાદ : અમદાવાદના નકશા પર એક નવો આઇકોનિક માર્ગ ઉમેરાવા જઈ રહ્યો છે. આઇકોનિક રોડ અને ડસ્ટ ફ્રી રોડ બાદ હવે શહેરમાં અર્બન લંગ્સ રોડ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. ચાંદખેડા વિસ્તારમાં વિસત સર્કલથી તપોવન સર્કલ સુધી 3.6 કિલોમીટર લાંબો અને અમદાવાદનો સૌથી પહોળો માર્ગ બનશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMC દ્વારા ‘અર્બન લંગ્સ રોડ’ વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં વિસત સર્કલથી તપોવન સર્કલ સુધીના 3.7 કિમીના પટ્ટાને અત્યાધુનિક સુવિધાઓ સાથે રિડેવલપ કરવામાં આવશે. બંને બાજુ ચાર લેનનો મુખ્ય માર્ગ તથા 7 મીટરનો સર્વિસ લેન બનાવાશે. 90 અને 108 મીટરનો રાઇટ ઓફ વે રહેશે. 81,500 ચોરસ મીટર લેન્ડસ્કેપ એરિયા, 2.1 મીટર પહોળો સાયકલ ટ્રેક, પેદેસ્ટ્રિયન અને દિવ્યાંગો માટે સુવિધાઓ ઉભી કરાશે. માર્ગ પર 1200થી વધુ વૃક્ષો અને આકર્ષક આર્ટ ઇન્સ્ટોલેશન શહેરની સુંદરતા વધારશે.આ પ્રોજેક્ટ અંતર્ગત રોડની બંને તરફ 14.7 મીટરનો ફોર લેન મુખ્ય માર્ગ તૈયાર કરાશે, આ રોડ માત્ર વાહનો માટે જ નહીં, પરંતુ પર્યાવરણ અને શહેરીજનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે.
આ અર્બન લંગ્સ રોડની ખાસિયત એ છે કે અહીં પ્રદૂષણ ઘટાડવા માટે માર્ગની આસપાસ 1200 થી વધુ ઘટાદાર વૃક્ષો વાવવામાં આવશે. આ ઉપરાંત, સ્વાસ્થ્ય પ્રેમીઓ માટે 2 મીટરનો અલાયદો સાયકલ ટ્રેક અને 3.5 મીટરનો વોકિંગ ટ્રેક બનાવવામાં આવશે. લોકોના આરામ માટે ખાસ સીટિંગ એરિયા પણ તૈયાર કરાશે, જેથી આ માર્ગ એક હરિયાળા હબ તરીકે ઉભરી આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ઉત્તર અમદાવાદમાં ટ્રાફિકનું ભારણ ઘટવાની સાથે શહેરીજનોને શુદ્ધ હવા અને મનોરંજન માટે એક ઉત્તમ સ્થળ મળી રહેશે.


