અમદાવાદ : અમિત શાહ ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો અને પરિવારજનો સાથે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી. અમિત શાહે નારણપુરા વિધાનસભા વિસ્તારમાં ભાજપના કાર્યકરો સાથે ધાબે પતંગ ઉડાવી. હર્ષોલ્લાસ સાથે તેમણે ઉત્તરાયણનો પર્વ મનાવ્યો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાના વતન અમદાવાદમાં પરિવાર સાથે ઉત્તરાયણ મનાવી હતી દિવસની શરૂઆત અમિત શાહે ભગવાન જગન્નાથના દર્શનથી કરી હતી. તેમણે મંદિરમાં વિધિવત પૂજા-અર્ચના કરી અને ગૌમાતાને ઘાસચારો ખવડાવી આશીર્વાદ લીધા હતા. નારણપુરા વિસ્તારમાં અર્જુન ગ્રીન્સના ધાબે પતંગ ચગાવવા પહોંચ્યા, ત્યારે આસપાસના ધાબા પરથી લોકોએ ‘ઓ… અમિતકાકા…’ ની બૂમો પાડી તેમનું સ્વાગત કર્યું હતું.ઉતરાયણની ઉજવણીમાં અમિત શાહના ધર્મપત્ની અને તેમના પુત્ર જય શાહ પણ હાજર રહ્યા હતા.
પતંગબાજી બાદ તેમણે ગુજરાતી પરંપરા મુજબ બોર અને જામફળની જયાફત માણી ઉત્તરાયણનો અસલી આનંદ લીધો હતો.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષની પરંપરા જાળવી રાખતા ઉત્તરાયણના પર્વે પોતાના માદરે વતન ગુજરાતના પ્રવાસે છે. આજે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પહોંચતા જ સ્થાનિક નાગરિકો અને ભાજપના કાર્યકરોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
બીજી તરફ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ઐતિહાસિક ઓળખ સમાન દરિયાપુર વિસ્તારની પોળમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. તેમણે દરિયાપુરના વાડીગામમાં સ્થાનિક રહેવાસીઓ સાથે ધાબા પરથી પતંગ ખેંચીને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. પોળના રહેવાસીઓએ ઉત્સાહપૂર્વક મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. જ્યારે મુખ્યમંત્રીએ પતંગની ડોર ખેંચી પેચ લડાવ્યા ત્યારે લોકોએ ભારે ચિચિયારીઓ પાડી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.


