અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસ (ઝોન-1) હેઠળ આવતા સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા માનવતાના અભિગમ સાથે એક વિશેષ રક્તદાન શિબિર ‘મુસ્કાન માટે રક્તદાન-2026’ નામથી સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય થેલેસેમિયાગ્રસ્ત બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનો અને તેમને સારવારમાં મદદરૂપ થવાનો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત તા-22-03-202, રવિવારે સવારે 9:00 થી સાંજે 4:00 વાગ્યા સુધી સોલા ભાગવત ખાતે આવેલ દશકોશી કડવા પાટીદાર સમાજ ખાતે યોજાયેલ આ રક્તદાન શિબિરમાં વેપારીઓ, બિઝનેસમેન, સામાન્ય કાર્યકર્તાઓ, પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ સહિત પોલીસ સ્ટાફના સી ટીમના સભ્યો પણ જોડાયા હતા. રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં 236 લોકોએ રક્તદાન કરીને આ સેવાકીય કાર્યમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું.

પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનર (સેક્ટર-1) ની પ્રેરણાદાયી સૂચના હેઠળ મહાદાન ગણાતા રક્તદાન શિબિરમાં DCP ઝોન સાહેબ અને ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર (‘એ’ ડિવિઝન) સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓએ પણ યોગદાન આપ્યું હતું. વિવિધ સામાજિક સંસ્થાઓના કાર્યકર્તાઓની પણ સક્રિય ભાગીદારી રહી હતી. પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
માનવતાનો સંદેશશિબિર દ્વારા એકત્રિત કરવામાં આવેલા રક્તનો ઉપયોગ થેલેસેમિયાગ્રસ્ત બાળકોની સારવાર માટે કરવામાં આવશે, જે તેમના જીવનમાં નવી આશા જગાવશે. “એક બુંદ રક્તદાન, અનેક જીવનને વરદાન” ના સૂત્રને સાર્થક કરતા આ કાર્યક્રમ દ્વારા અમદાવાદ પોલીસે સમાજમાં એક ઉત્કૃષ્ટ અને આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે.


