અમદાવાદ : આજે વર્લ્ડ જાહેર ટ્રાન્સપોર્ટ ડે ઉજવણી થઇ રહી છે ત્યારે અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓને લઈને સોશિયલ મીડિયામાં એક સુંદર પહેલ કરનાર પ્રણવ વસાવડા અચૂક યાદ કરવા જોઈએ, મેટ્રોમાં સફર કરતા અને પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓને લઈને વિવિધ પાસાઓની તેમના જ શબ્દોમાં સમજીશું.
સૌ પ્રથમ તેઓએ પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓ ઉપયોગકર્તા સહુ મિત્રોને અનેક શુભેચ્છાઓ સાથે AMTS, BRTS અને અમદાવાદ મેટ્રોના સર્વ કર્મચારીઓ જેમના કારણે આ શહેરની જાહેર પરિવહન સેવાઓ સુચારું, સમયબદ્ધ અને સલામત રીતે દોડી રહી છે એમનો ખાસ ધન્યવાદ !!
પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદીજીનો વિઝનરી ડ્રીમ પ્રોજકેટ આપણી મેટ્રો હવે મારા જેવા અસંખ્ય લોકો માટે જાહેર પરિવાહનનું ખૂબ ઉત્તમ સાધન બન્યું છે. નોકરી, વ્યવસાય હોય કે ભણવા કે ખરીદી કરવા માટે જવું હોય સહુ કોઈ આ સમયબદ્ધ, સમય ની બચત કરનાર, સુરક્ષિત અને કિફાયતી પબ્લિક ટ્રાન્સપોર્ટ પ્રથમ વિકલ્પ બનતો જાય છે.
છેલ્લા 3 વર્ષ દરમિયાન આપણી મેટ્રોએ ખૂબ સારી સેવા પૂરી પડી છે જેના માટે સમગ્ર GMRC સ્ટાફ અને સરળ, ક્ષતિરહિત આવનજવાન માટે ખાસ કરીને ગ્રાઉન્ડ સ્ટાફ, સુરક્ષિત અનુભવ માટે સિક્યોરીટી જવાનો અને સ્વચ્છ-ગંદકીરહિત સ્ટેશનો માટે હાઉસ કીપીંગ સફાઇકર્મી સ્ટાફને ખાસ ધન્યવાદ આપવા પડે. જો કે આ વ્યવસ્થા વધુ સુદ્રઢ અને મુસાફરલક્ષી કામો હાથ પર લે તો જે નાગરિકો ટ્રાફિક જામનો સામનો કરી રહ્યા છે એમાંથી રાહત મેળવવા આ સેવા તરફ ચોક્કસ વળશે.
(1) Last mile connectivity:
કોઈપણ ટ્રાન્સપોર્ટ સેવા હોય એને સફળ બનાવવા અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા last mile connectivity ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. હાલ AMTS દ્વારા દોડાવાઈ રહેલ મેટ્રો ફીડર બસ વિશે મુસાફરોમાં કોઈ જાણકારી જ નથી સાથે એના રૂટ વ્યવસ્થિત નથી. થલતેજ મેટ્રો સ્ટેશન અમદાવાદ મેટ્રોનું સૌથી વ્યસ્ત અને મુસાફરોની મહત્તમ અવરજવર ધરાવતું સ્ટેશન છે. પણ આ સ્ટેશનેથી જે મેટ્રો ફીડર બસો દોડી રહી છે એ સ્ટેશનથી દૂર ઊભી રખાય છે સાથે ક્યાં રૂટ પર જવા માટે ક્યારે બસ મળશે એવી કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી. આ મુદ્દે GMRC સાથે સંકલનની તાતી જરૂરિયાત છે.
-3 થી 4 કિલોમીટરની ત્રિજ્યા આવતાં મુખ્ય લોકેશનને જોડતી મેટ્રો ફીડર બસો શરૂ થાય તો ચોક્કસપણે મુસાફરોને ખરેખર કામ લાગશે. અને હાલ જે લોકોને ખાનગી ઓટો કે કેબ કરી સ્ટેશન કે નોકરી/વ્યવસાયના સ્થળે પહોંચવું પડે છે એ ઘણો ખર્ચ બચી જશે.
-થલતેજ મેટ્રો સ્ટેશનથી 2 રુટ જેમાંથી (1) વૈષ્ણોદેવી સુધી અને (2) ચાંગોદર સુધી દર 15 મિનિટે શરૂ થાય તો એસ જી હાઇવે પર નોકરી, વ્યવસાય કે માર્કેટિંગ અર્થે આવતા હજારો લોકોને દૈનિક રીતે ફાયદો થાય.
-પશ્ચિમ અમદાવાદના ઘણા વિસ્તારોમાંથી આંબલી રોડ રેલ્વે સ્ટેશન પર સ્ટોપેજ આપતી ટ્રેનોમાં ઘણા મુસાફરોની આવનજાવન હવે નિયમિત રૂપે થઈ રહી છે. આવા સમય આંબલી રોડ સ્ટેશને થી થલતેજ ગામ અને થલતેજ મેટ્રો સ્ટેશને પહોંચવા કોઈક ખાસ સમયે બસ સેવા શરૂ કરવા જેવી છે.
(2) પે એન્ડ પાર્કિંગ:
બીજો સૌથી અગત્યનો મુદ્દો જેના પર કોઈ નક્કર કામગીરી નહીં પણ માત્ર કાગળ ઉપર વાત થઈ છે. ૨૦૨૨માં એકવાર અને ૨૦૨૫ માં AMC એ સ્ટેશનની નજીકના પે એન્ડ પાર્કિંગ માટે પ્લોટ ફાઈનલ કરવા માટે માત્ર નિવેદનો જ કર્યા છે. ક્યાંય ઓફિશિયલ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ થઈ નથી. સ્ટેશન નીચે ટ્રાફિકને નડતરરૂપ ન હોય એવા પાર્ક કરેલ વાહનોને પણ ઈ-મેમો મળે છે. આમ થવાથી લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપયોગ કરતા બે વાર વિચારશે. દૈનિક મુસાફરો મંથલી પાસ મુજબ પૈસા ચૂકવીને પોતાનું વાહન સુરક્ષિત રહે એ માટે તૈયાર જ છે. તાત્કાલિક પે એન્ડ પાર્ક સુવિધા જ્યાં જગ્યા ઉપલબ્ધ હોય ત્યાં શરૂ કરાય એ જનહિતમાં છે.
(3) ફ્રિક્વન્સી અને કોચ ની સંખ્યા માં વધારો:
દૈનિક મુસાફરોની સંખ્યા 35,000 થી વધીને 1,50,000 સુધી પહોંચી છે ત્યારે અમદાવાદ મેટ્રો લોકો માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ નું વિશ્વસનીય સાધન બનતું જાય છે. પીક અવર્સમાં ખાસ કરીને ઓલ્ડ હાઇકોર્ટ ઇન્ટર ચેન્જ પર થતી ભીડ ને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે, અમુક ટ્રીપ જવા દેવી પડે ત્યારે એમને મેટ્રોમાં પ્રવેશ મળે એવી સ્થિતિ સર્જાઇ રહી છે. આવું સતત બનશે તો અમુક વર્ગ ચોક્કસ ભીડભાડથી કંટાળીને ફરી ખાનગી વાહન તરફ વળશે. સેવા શરૂ થયા બાદ હવે લોકોને ફ્રિક્વન્સી અને કોચની સંખ્યા વધે એવી ખૂબ અપેક્ષાઓ છે.
(4) કોમન ટિકિટ અને એક મોબાઈલએપ:
ડિજિટલ ઈન્ડિયા નો જ્યારે મા.મોદીજી આટલો પ્રચાર કરી રહ્યા છે ત્યારે અમદાવાદ મ્યુ કો. ની AMTS, BRTS અને અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરવા એક કોમન ટિકિટ પ્લૅટફોમ હોય એ સમયની જરૂરીયાત છે. સાથે એક એવી એપ જેમાંથી કોઈપણ પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા માટે ટિકિટ બુકિંગ તેમજ બધી જ માહિતી મળી રહે તો ખૂબ સરળતા રહે.
(5) ટ્રી પ્લાન્ટેશન:
મેટ્રો પિલર વચ્ચેની જગ્યામાં માત્ર અમુક સ્થળોએ જ ટ્રી પ્લાન્ટેશન કરાયું છે. બંને કોરિડોરમાં આ કાર્ય જો બધે જ થાય તો લાખોની સંખ્યામાં વૃક્ષો ઊગી શકે એમ છે. ગ્રીન કવર તો વધશે જ સાથે આપણાં અમદાવાદને હરિયાળું બનાવવાની ઝુંબેશને પણ ઘણું બળ મળશે. સાથે થોડા થોડા અંતરે ખાનગી કંપનીઓને રાખરખાવ માટેનું કામ પણ આપી શકાય.
(6) સોશિયલ મીડીયામાં સક્રિયતા:
આજે જ્યારે 85 થી 90% લોકો સ્માર્ટફોન ધરાવે છે ત્યારે સોશિયલ મિડીયામાં નિષ્ક્રિયતાથી નુકશાન પબ્લિક ટ્રાન્સપોર્ટ માધ્યમને જ છે. હાલ અમદાવાદ ની એકપણ પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા સોશિયલ મીડિયાના કોઈપણ માધ્યમમાં સક્રિય નથી. માહિતી હોય કે અપડેટ એક ક્લિક થી તમે લાખો મુસાફરો સુધી આસાનીથી પળવારમાં પહોંચી શકો છો ત્યારે સક્રિયતા વધારવી જ જોઈએ. લોકોને પડતી હાલાકી હોય કે નવા વિચારો આ માધ્યમથી ત્વરિત મેળવવા શક્ય છે.
(7) નિયમિત અંતરે meet-up દ્વારા મુસાફરો સાથે સંવાદ:
અમદાવાદની પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓના વધુ સારા સંચાલન માટે દર ૨ મહિને એક વાર meet-up જે તે ઓથોરીટી દ્વારા આયોજન કરાય તો સાચા અર્થમાં આપણાં શહેરની આ સેવાઓ વધુ વિસ્તૃત અને વધુ લોકોઉપયોગી બની શકે. સાથે જાહેર જનતાને સાથે રાખીને ચાલવું અને જે વિસ્તારમાં મેટ્રો/બસ લઈ જવી હોય ત્યાં મીટિંગ કરી જનતાનો અભિપ્રાય લેવો જેથી લોકો પોતાને આવા મોટા પ્રોજેક્ટનો ભાગ માને અને કામ ચાલતું હોય તો અગવડતાને સમજે.
આશા છે ઉપર જણાવેલ મુદ્દાઓ પર રજૂઆતને જવાબદાર તંત્ર સુધી પહોંચે તો આ પબ્લિક ટ્રાન્સપોર્ટ માધ્યમમાં આવી રહેલી મુશ્કેલીઓના નિવારણ દ્વારા સમયબદ્ધ, સુરક્ષિત, કિફાયતી અને ટ્રાફિક – પ્રદૂષણમુક્ત સેવા તરફ વધુ નાગરિકોને આકર્ષી શકીશું. અને કોમનવેલ્થ 2030 આવતા સુધી આપણે એક વ્યવસ્થિત અને વિશ્વાસુ પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓનું માળખું રચી શકીશું….-પ્રણવ વસાવડા


