અમદાવાદ : ગરમીનો પારો જ્યારે 45 ડિગ્રીને પાર કરી રહ્યો છે, ત્યારે રાજકારણથી ઉપર ઉઠીને માનવતા મહેકાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ‘વેદના સંવેદના એન્વાયરમેન્ટ ટ્રસ્ટ’ના પ્રમુખ જયેશ ગેડીયાએ એક અનોખી પહેલ કરી સમાજને નવી રાહ ચીંધી છે.
વિગતો મુજબ, ગત રોજ પૂર્ણ થયેલી કોર્પોરેશનની ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા બુથ પ્રમુખોને કાર્યકરો અને મતદારોના રક્ષણ માટે છત્રીઓ આપવામાં આવી હતી. ચૂંટણીના પડઘમ શાંત થયા બાદ, આ છત્રીઓનો સદુપયોગ કરવાના ઉમદા વિચાર સાથે જયેશ ગેડીયાએ નવા વાડજ વિસ્તારમાં એક પ્રશંસનીય કાર્ય કર્યું છે.
નવા વાડજ વોર્ડમાં આવેલા ઐતિહાસિક અગિયારસ માતાના મંદિર (જ્યાં સ્વયંભૂ અંબે માં અને સોમનાથ મહાદેવ બિરાજમાન છે) ની બહાર ફૂટપાથ પર બેસીને પોતાની આજીવિકા રળતા એક મોચીને જયેશ ગેડીયાએ ભાજપની આ છત્રી અર્પણ કરી હતી. આ કાળઝાળ ગરમીમાં ખુલ્લા આકાશ નીચે કામ કરતા શ્રમિકના ચહેરા પર છત્રી મળતા જ જે સ્મિત જોવા મળ્યું, તે જોઈ ઉપસ્થિત સૌ કોઈ ગદગદિત થઈ ગયા હતા.
“જ્યારે મેં તે જરૂરિયાતમંદ વ્યક્તિના ચહેરા પર ખુશી જોઈ, ત્યારે મન ભરાઈ આવ્યું. જો આપણે કોઈની વેદનાનો અહેસાસ કરી શકીએ, તો જ આપણે સાચા અર્થમાં સજ્જન વ્યક્તિ છીએ.”-જયેશ ગેડીયા (પ્રમુખ, વેદના સંવેદના એન્વાયરમેન્ટ ટ્રસ્ટ)
આ પ્રસંગે જયેશ ગેડીયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના તમામ બુથ પ્રમુખોને એક નમ્ર અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે: ચૂંટણીમાં મળેલી છત્રીઓનો સંગ્રહ કરવાને બદલે, તે છત્રીઓ તમારા વિસ્તારમાં 45 ડિગ્રીની ધગધગતી ગરમીમાં મજૂરી કરતા જરૂરિયાતમંદોને સ્વેચ્છાએ અર્પણ કરવી જોઈએ.આકરી ગરમીમાં કોઈની વેદના સમજી તેને મદદ કરવી એ જ સાચી ઈશ્વર ભક્તિ છે.
નવા વાડજમાં જ્યાં આ સેવા કાર્ય થયું, તે મંદિર પરિસરમાં આવતા ભક્તોમાં પણ આ ચર્ચાનો વિષય બન્યો હતો. લોકોનું કહેવું છે કે મંદિરની બહાર બેસનારા શ્રમિકોનું ધ્યાન કદાચ શિવ-શક્તિ જ રાખતા હશે, જે કોઈને પ્રેરણા આપીને તેમની વેદના દૂર કરવાનું નિમિત્ત બનાવે છે.આ પહેલ દર્શાવે છે કે જો ઈચ્છાશક્તિ હોય તો રાજકીય સંસાધનોનો ઉપયોગ પણ લોકકલ્યાણ અને માનવતાના કાર્યોમાં કરી શકાય છે.


