ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાયેલી ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સવારે 10 કલાકે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને કોમર્સ પ્રવાહના પરિણામ જાહેર કરાયું છે. આ સાથે GUJCETના પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે.
રિપોર્ટ મુજબ, રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ધોરણ-12નું પરિણામ જાહેર કર્યું છે, જેમાં વિજ્ઞાન તથા સામાન્ય બંને પ્રવાહના પરિણામો જાહેર થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.33 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના 156 કેન્દ્રો ઉપર 1,18,973 પરીક્ષાર્થી નોંધાયેલ હતા. તે પૈકી 1,18,256 પરીક્ષાર્થી ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નિયમિત વિધાર્થીઓ 1,11,270 નોંધાયેલ હતા. જેમાંથી 93,678 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જેમાં ગુજરાતી માધ્યમનું 84.32 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે અંગ્રેજી માધ્યમમાં 85.1% પરિણામ આવ્યું છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, જેમાં કુલ પરિણામ 92.71 ટકા નોંધાયું છે. આ વર્ષે વિદ્યાર્થિનીઓએ ફરી એકવાર ઉત્તમ પ્રદર્શન કરતા 95.41 ટકા પરિણામ મેળવ્યું છે, જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 90.10 ટકા રહ્યું છે. આ રીતે વિદ્યાર્થિનીઓનું પરિણામ વિદ્યાર્થીઓ કરતાં 5.31 ટકા વધુ નોંધાયું છે.ધોરણ-12 સામાન્ય પ્રવાહ માટે નોંધાયેલા કુલ 501286 પરીક્ષાર્થીમાંથી 437279 નિયમિત, 35174 ખાનગી, 15813 રિપીટર, 7873 ખાનગી રિપીટર અને 5147 પૃથ્થક પરીક્ષાર્થી હતા. આ પૈકી 2293 પરીક્ષાર્થી દિવ્યાંગ તરીકે નોંધાયા હતા.
વિદ્યાર્થીઓની માર્કશીટ, પ્રમાણપત્ર અને SR શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિધ્ધ કરવામાં આવશે તથા માર્કશીટ અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.


