અમદાવાદ : આજે સમગ્ર વિશ્વ જ્યારે ‘મધર્સ ડે’ની ઉજવણી કરી રહ્યું હતું, ત્યારે અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશન દ્વારા એક અત્યંત પ્રેરણાદાયી અને સંવેદનશીલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નારણપુરા પી.આઈ. શ્રી કે.આર. સક્સેના અને તેમની ટીમ દ્વારા વિસ્તારમાં આવેલા ‘જીવન સંધ્યા’ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ વડીલો સાથે આ દિવસની હૂંફભરી ઉજવણી કરવામાં આવી હતી.

વૃદ્ધાશ્રમમાં રહેતા સિનિયર સિટીઝનો એકલતા અનુભવે નહીં અને તેમને પરિવારની ખોટ ન સાલે તેવા ઉમદા હેતુ સાથે પોલીસ દ્વારા ‘સંગીત સંધ્યા’નું આયોજન કરવામાં આવ્યું હતું. પી.આઈ. શ્રી સક્સેના અને પોલીસ સ્ટાફે વડીલો સાથે મળીને મધુર ગીતો ગાયા હતા અને વડીલોને પણ ગીતો ગાવા પ્રોત્સાહિત કર્યા હતા. આ સંગીતમય વાતાવરણને કારણે વૃદ્ધાશ્રમના વડીલોના ચહેરા પર સ્મિત રેલાયું હતું.
કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓ દ્વારા તમામ વડીલોને પ્રેમપૂર્વક નાસ્તો કરાવવામાં આવ્યો હતો. પી.આઈ. શ્રી દ્વારા વડીલોના આશીર્વાદ મેળવી મધર્સ ડેને સાર્થક કરવામાં આવ્યો હતો. પોલીસે વડીલો સાથે લાંબો સમય પસાર કરી તેમની લાગણીઓ વહેંચી હતી, જેથી તેઓને ઘર જેવું વાતાવરણ મળી રહે.

કાર્યક્રમ દરમિયાન સિનિયર સિટીઝનોને ચેન સ્નેચિંગ, ભીડભાડવાળી જગ્યાએ પાકીટ તથા કિંમતી વસ્તુઓની ચોરી જેવા બનાવોથી સાવચેત રહેવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ પીઆઇ શ્રી દ્વારા સાયબર ફ્રોડ અંગે માહિતગાર કરી સુરક્ષા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.વધુમાં નારણપુરા “શી ટીમ” દ્વારા મહિલાઓના રક્ષણ અને જાગૃતિ માટે કરવામાં આવતી કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી.
કોઈપણ પ્રકારની મુશ્કેલી, રજૂઆત અથવા સહાયની જરૂરિયાત હોય તો નિઃસંકોચ નારણપુરા “શી ટીમ”નો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી. તેમજ વિસ્તારની મહિલાઓ અને સિનિયર સિટીઝનને સુરક્ષા અને સહાય માટે હંમેશા પોલીસ તેમની સાથે હોવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું.


