અમદાવાદ : અમદાવાદ: શહેરમાં ચોમાસા પહેલા ચાલી રહેલી પ્રિ-મોન્સુન કામગીરી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાહીબાગ વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો કરે તેવી ગેરરીતિ સામે AMCએ કડક વલણ અપનાવતા કેચપીટમાં ફૂડ વેસ્ટ નાંખનાર દુકાનને સીલ કરી દેવામાં આવી છે.
રિપોર્ટ મુજબ, અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા નમસ્તે સર્કલ પાસે AMCની ટીમ દ્વારા રૂટિન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન અધિકારીઓના ધ્યાને આવ્યું કે, એક ફૂડ આઉટલેટ દ્વારા પોતાની દુકાનનો કચરો અને ખોરાકનો એંઠવાડ સીધો જ રસ્તા પરની કેચપીટ (વરસાદી પાણીની જાળી) માં ઠાલવવામાં આવતો હતો. આ પ્રકારની ગંભીર બેદરકારી જોઈને તંત્ર દ્વારા સ્થળ પર જ કડક પગલાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
ચોમાસા દરમિયાન અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે. કેચપીટમાં કચરો કે પ્લાસ્ટિક નાખવાને કારણે લાઈનો ચોક-અપ થઈ જાય છે અને વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી. શાહીબાગમાં જે રીતે ફૂડ વેસ્ટ કેચપીટમાં નાખવામાં આવતો હતો, તેનાથી આગામી વરસાદમાં આખા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે તેમ હતી. જનતાની સુવિધામાં અવરોધ ઊભો કરનાર સામે AMCએ કોઈ પણ પ્રકારની નરમાશ દાખવી નથી.
AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, જાહેર આરોગ્ય અને શહેરની વ્યવસ્થા સાથે ચેડા કરનાર કોઈપણ એકમને છોડવામાં આવશે નહીં. જે દુકાન સીલ કરવામાં આવી છે, તેની સામે કાયદેસરના દંડની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દ્વારા અન્ય વેપારીઓ અને દુકાનદારોને પણ કડક સંદેશ આપવામાં આવ્યો છે કે તેઓ કચરાનો નિકાલ યોગ્ય જગ્યાએ જ કરે અને જાહેર માર્ગો કે ડ્રેનેજ લાઈનોનો દુરુપયોગ ન કરે.


