અમદાવાદ : અમદાવાદ શહેરના વાડજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે એક મોટી સફળતા મેળવીને ઘરમાંથી થયેલી 21તોલા સોનાના દાગીનાની ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીમાં ગયેલ લાખો રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી બે આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં ફરિયાદીના ઘરે જ કચરા-પોતાનું કામ કરતી એક મહિલા પણ સામેલ છે.
રિપોર્ટ મુજબ, નવા વાડજમાં આવેલ સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર સોસાયટીમાં NRI મહિલાના ઘરમાં ગત તા. 28 ડિસેમ્બર 2025થી 15 એપ્રિલ 2026 દરમિયાન અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી કબાટમાંથી 21 તોલા જેટલા સોનાના દાગીનાની ચોરી કરી હતી. ચોરી ગયેલા દાગીનાની કુલ કિંમત અંદાજે રૂ. 21 લાખ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે વાડજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ તપાસ હાથ ધરાઈ હતી.આ કેસમાં વાડજ પોલીસે જયદીપ સુરેશભાઈ સોલંકી, રહે. રામાપીરનો ટેકરો, જુના વાડજ અને પાયલ મનુભાઈ પરમાર, રહે. આકાશગંગા સોસાયટી, નવા વાડજની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે ઘરકામ કરતા યુવકે પોતાની મિત્ર સાથે મળીને ચોરીને અંજામ આપ્યો હતો. આરોપીઓએ ઘરની અંદરની માહિતીનો લાભ લઈ કિંમતી સોનાના દાગીનાની ચોરી કરી હતી.
પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.17,36,800નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમાં અંદાજે 21 તોલા સોનાના કિંમતી દાગીનાનો સમાવેશ થાય છે. સોનાની ચેન, વીંટી, બંગડી, બ્રેસલેટ સહિતના દાગીના પોલીસે જપ્ત કર્યા છે. ચોરી બાદ આરોપીઓ મુદ્દામાલ છુપાવી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ પોલીસની સતર્ક કામગીરીના કારણે તેઓ ઝડપાઈ ગયા હતા.
વાડજ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. પોલીસે ચોરીના તમામ મુદ્દામાલ સાથે બંને આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ અગાઉ પણ આવી ચોરીઓ કરી છે કે નહીં તે દિશામાં પૂછપરછ ચાલી રહી છે. ઘટનાના ભેદ ઉકેલાતા સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.


