અમદાવાદ : 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-1ના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા થલતેજથી વસ્ત્રાલ ગામના રૂટનો પ્રારંભ કરાવ્યો હતો. બે ઓક્ટોબરથી નાગરિકો માટે મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવી હતી. ત્યારે આજથી ફેઝ-1ના ઉત્તર અને દક્ષિણ છેડાને જોડતો મોટેરા સ્ટેડિયમથી વાસણા APMC સુધીની મેટ્રો ટ્રેનનો રૂટ શરૂ થયો છે.
આજે બીજા તબક્કામાં કોરિડોર-1 વેજલપુર APMCથી મોટેરા સ્ટેડિયમ વચ્ચેના 18 કિમીના રૂટ પર મેટ્રો ટ્રેન સેવાની શરૂઆત થતાં મોટી સંખ્યામાં લોકો મેટ્રોની સવારી માણવા પહોંચ્યા હતા. અમદાવાદની સૌથી મોટી સમસ્યા વર્ષોથી ટ્રાફિકની રહી છે ત્યારે હવે જાહેર ટ્રાન્સપોર્ટેશનના માધ્યમ તરીકે મેટ્રોની શરૂઆત થતા આંશિક રાહત મળશે. ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મેળવવા અને સમય તથા પૈસાનો બચાવ કરવા મેટ્રો ટ્રેન ખૂબ ઉપયોગી થશે.