અમદાવાદ : અમદાવાદ શહેરમાં એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ સાથે પોલીસ દ્વારા મારપીટ કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. કેબીન ચલાવી ગુજરાન ચલાવતા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિએ પેકેટ ચોરી થતી હોવાની આશંકાએ એક સગીરનો હાથ પકડી લેતા મામલો માર સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં ચાંગોદર પોલીસ સ્ટેશનના PSI સોનલ રાઠોડ પર ગોપાલ દરજી નામના પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને દંડાથી માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ ઘટનાએ પોલીસ બળ દ્વારા સત્તાના દુરુપયોગ અને નબળા વર્ગ પ્રત્યેના અત્યાચાર અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
રિપોર્ટ મુજબ, પીડિત ગોપાલભાઈ દરજી કે જેઓ દૃષ્ટિહીન છે, તેમણે બપોરના આશરે એક વાગ્યે એક સગીર બાળકને પેકેટ ચોરીની શંકાએ હાથ ખેંચીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોતાની દૃષ્ટિ ન હોવાને કારણે ભૂલથી તેમનો હાથ બાળકના ગાલ પર અડી ગયો હતો. આ ઘટના બાદ બાળક અને તેના પિતાએ બોલાચાલી કરી અને મામલો વકર્યો. ચોંકાવનારી વાત એ છે કે આ સગીર બાળક ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSIનો દીકરો હોવાનું સામે આવ્યું. સગીરના પિતાએ 112 નંબર પર ફોન કરીને પોલીસ બોલાવી અને ગોપાલભાઈને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા.
પોલીસ સ્ટેશનમાં ગોપાલભાઈને બપોરના એક વાગ્યાથી દોઢ વાગ્યા સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા. ગોપાલભાઈએ પોતાની ભૂલ બદલ માફી પણ માંગી હતી, પરંતુ તેમને કોઈ રાહત મળી નહોતી. સાંજે આશરે પાંચ વાગ્યે, મહિલા PSI પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યા. તેમણે સીધા જ કોન્સ્ટેબલને ગોપાલભાઈ ક્યાં છે તે પૂછ્યું અને જોતા જ તેમને માર મારવાનું શરૂ કરી દીધું.
ગોપાલભાઈના જણાવ્યા મુજબ, મહિલા PSIએ તેમને ગાલ પર બે-ચાર થપ્પડો મારી, પગમાં દંડા માર્યા અને પોતાના બૂટ વડે પણ માર માર્યો. તેમને જમીન પર ઉંધા પાડીને પીઠ અને કમર પર પણ ભયંકર રીતે માર મારવામાં આવ્યો હતો. આ અત્યાચાર લગભગ પાંચથી સાત મિનિટ સુધી ચાલ્યો. આ સમયે એક અન્ય પોલીસકર્મીએ દખલગીરી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે મહિલા PSIએ તેને વચ્ચે ન બોલવા માટે કહ્યું. વધુમાં, ગોપાલભાઈની આંખ પર પણ મુક્કો મારવામાં આવ્યો, જેના કારણે તેમની પહેલેથી જ નબળી દૃષ્ટિ પર વધુ અસર થઈ છે.
પાછળથી, કોઈએ ત્યાંના પીઆઈ (પોલીસ ઇન્સ્પેક્ટર)ને જાણ કરતા, પીઆઈએ આવીને માર મારવાનું બંધ કરાવ્યું અને માર મારનાર PSI પર કાર્યવાહી કરવાની ચેતવણી આપી. આ પછી ગોપાલભાઈને બેસાડી રાખવામાં આવ્યા હતા. માર મારવાને કારણે તેમના પગમાં એટલો બધો દુખાવો હતો કે તેઓ ઉભા પણ થઈ શકતા નહોતા.
આ ઘટના બાદ, મહિલા PSI ગોપાલભાઈના ઘરે સમાધાન કરવા પહોંચ્યા હોવાનું પણ સામે આવ્યું છે. જોકે, મીડિયાને જોતા તેઓ ત્યાંથી ચાલતી પકડી હતી. ગોપાલભાઈ દરજી પંચવટીની પાસે વ્યવસાય ચલાવે છે અને તેમના પરિવારે આ મહિલા PSI વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સમગ્ર ઘટના અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ અને ન્યાયી કાર્યવાહી થાય તે અત્યંત જરૂરી છે.


