અમદાવાદ : ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ હવે શાળાઓ સુધી પહોંચ્યુ છે. ગુજરાતમાં શાળાના વિદ્યાર્થીઓ પાસેથી હવે ડ્રગ્સ મળી રહ્યાં છે. અમદાવાદની એક હાઈફાઈ સ્કૂલના ધો.11ના વિદ્યાર્થી પાસેથી 2 લાખ રોકડા, ડ્રગ્સ અને ઇ-સિગારેટ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેરના છેવાડે આવેલી એક હાઈફાઈ CBSE સ્કૂલમાં ઘણા સમયથી ડ્રગ્સની ફરિયાદો ઊઠી હતી. સ્કૂલ મેનેજમેન્ટે આ બાબતે પગલા લઈને અચાનક ચેકિંગ કર્યુ હતું. જેમાં ધો. 11ના એક વિદ્યાર્થી પાસેથી રૂ. 2 લાખ રોડકા, ડ્રગ્સ તથા ઈ-સિગારેટ મળી હતી. આ ઘટના ગુજરાતના ભવિષ્યની પેઢી માટે બહુ જ ચિંતાજનક છે. ચાલુ ક્લાસે કોઈ વિદ્યાર્થી પાસેથી ડ્રગ્સનો જથ્થો મળતાં સ્કૂલ મેનેજમેન્ટ ચોંકી ઊઠ્યું હતું.
વિદ્યાર્થીઓ ઉપર માઠી અસર ન થાય અને શાળાની બદનામી પણ ન થાય તે માટે હાલ મામલો દબાવી દેવાયો છે. જોકે, જિલ્લા શિક્ષણ અધિકારીને આ અંગે જાણ કરાઈ છે. પણ ત્યાં માત્ર વિદ્યાર્થી પાસેથી રૂ.12 હજાર મળ્યાનું જ જણાવાયું છે. ડ્રગ્સ કે ઇ-સિગારેટની વાત બહાર લાવવામાં આવી નથી.