અમદાવાદ : અમદાવાદીઓ છેલ્લાં એક મહિનાથી મેટ્રોમાં રોમાંચક અને આનંદદાયક સફરની મોજ માણી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક બેજવાબદાર લોકો પાન-મસાલા અને ગુટખાની પિચકારીઓ મારી, દિવાલોને લાલ રંગે રંગી મેટ્રોની સુંદરતામાં બેદરકારીનો ડાઘ લગાવી રહ્યા છે. પરંતુ હવે આવા લોકો સામે મેટ્રોએ લાલ આંખ કરી છે. મેટ્રો વિભાગે સ્ટેશન પર ગંદકી ફેલાવવા તેમજ સંપત્તિને નુકસાન પહોંચાડવા જેવી ઘટનાઓને અંકુશમાં લેવા કમર કસી છે. મેટ્રો રેલવે એક્ટ 2002 મુજબ વિવિધ દંડની જોગવાઇ કરાઇ છે. જે મુજબ રેલવેની સંપત્તિને નુકસાન પહોંચાડનારને 200થી લઇને 5 હજાર રૂપિયા સુધીનો દંડ તેમજ 10 વર્ષની જેલની સજાની પણ જોગવાઇ કરવામાં આવી છે.
આ સાથે જ મેટ્રો કોચને નુકસાન, સેફટી બટન સાથે ચેડાં અને ગંદકી ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવા તેમજ આવા લોકોને પકડવા માટે એક સ્કવોડની પણ રચના કરવામાં આવી છે.મેટ્રોમાં ગંદકી તેમજ નુકસાન પહોંચાડવા બદલ વિવિધ ગુના હેઠળ સજાની જોગવાઇ છે. જે અંતર્ગત કોઇ કારણ વગર બેલ અથવા એલાર્મનો ઉપયોગ કરે તો 1 વર્ષની જેલની સજા થઇ શકે છે. જો કોઇ વ્યક્તિ લોકોને નુકસાન પહોંચે તેવી વસ્તુ ટ્રેનમાં લઇ જશે તો તેને 4 વર્ષની સજા અને 5 હજારનો દંડ ફટકારાશે.
આ ઉપરાંત જો કોઇ મેટ્રોમાં ચિતરામણ કરશે તો તેને 6 મહિનાની જેલ અને 500 રૂપિયાનો દંડ થશે.મેટ્રોના વિવિધ સ્ટેશનો પર નિયમો અને તેને સંલગ્ન દંડની જોગવાઇના પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યા છે કે જેથી લોકોમાં પણ જાગૃતિ આવે. પરંતુ સરકારી મિલકતોને ગંદી કરનારા તેમજ નુકસાન કરનારા તત્વોએ સમજવું જોઇએ કે તેની સાચવણી કરવાની સૌથી પહેલી જવાબદારી આપણા સૌની છે.