અમદાવાદ : કેન્દ્રીય ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો માટે અંતિમ કવાયત હાથ ધરી છે. ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકનું સાંજે 6.30 કલાકે આયોજન કરવામાં આવ્યુ છે. મળતી માહિતી પ્રમાણે ગુરુવારે પહેલી યાદી જાહેર થઈ શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતની ફેઝ 1ની 89 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સૂત્રો અનુસાર નો રીપિટ થિયરી અનુસાર ઉમેદવારોની યાદીમાં મોટા ભાગના નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે. જોકે, ઉમેદવારનો યાદી જાહેર કરવામાં આવી તે પહેલા જ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત પાંચ દિગ્ગજ નેતાઓએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી.
ભાજપમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, ગુજરાત સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે ભાજપના ઉમેદવારોના નામને લઈને ચાલેલી મેરેથોન બેઠક 4 કલાક પછી પૂર્ણ થઈ છે. જેમાં ટિકિટ આપવા મુદ્દે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવ્યા બાદ નામો પણ લગભગ નક્કી થઈ ગયા હોય તેવી પણ ચર્ચા છે.