અમદાવાદ : ગત મંગળવારે મોડી રાત્રે ન્યુ રાણીપ વિસ્તારમાં રસ્તા વચ્ચે યુવકને આંતરી ત્રણ શખ્સે મોબાઈલ ફોન ઝૂંટવી પાસવર્ડ માંગ્યો હતો. યુવકે પાસવર્ડ ના આપતા આરોપીઓએ છરીના ઘા મારી યુવકનું પર્સ લૂંટી લીધું હતું. લુંટ ચલાવવાના ગુનામાં પોલીસએ ત્રણ આરોપીઓ ઝડપ્યા છે. જેથી આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ન્યુ રાણીપ વિસ્તારમાં આર્યવિલા પાસે મોડી રાત્રે નોકરીથી ઘરે પરત જઈ રહેલ યુવકને રોકીને ધમકાવી છરીના ઘા માર્યા હતા. યુવક પાસે રહેલા પાંચથી છ હજારની લૂંટ ચલાવી ત્રણ શખ્સો ફરાર થઈ ગયા હતા. જોકે સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસની કરવામાં આવી હતી ત્યારે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસને સફળતા મળતા ત્રણેય આરોપીઓ શૈલેષ ગૌણ, કાર્તિક રાજપુત અને સન્ની ભાટીયાની ધરપકડ કરી લેવામાં આવી છે.
પોલીસે આરોપી પાસેથી ત્રણ મોબાઇલ, એક ટુ-વ્હીલર અને ગુનામાં વપરાયેલ છરી પણ કબજે કરી છે. આરોપીઓ ગુનાહિત ઈતિહાસ પણ ધરાવતા હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે. જેમાં ત્રણેય વિરુદ્ધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો તેમજ સન્ની ભાટીયા વિરુદ્ધમાં અગાઉ સોલામાં હત્યા ગુનો દાખલ થયો હતો. જેથી પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.