અમદાવાદ : અમદાવાદમાં ફ્લાવર શો વધુ ત્રણ દિવસ લંબાવવાની AMC એ જાહેરાત કરી છે. ફ્લાવર શો હવે 15 જાન્યુઆરી સુધી ચાલશે. આ પહેલા ફ્લાવર શો 12 જાન્યુઆરી સુધી જ હતો. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણની રજાના સમયમાં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં ભાગ લેનારા મુલાકાતીઓ ફ્લાવર શો અને અટલ બ્રિજની મુલાકાત લઈ શકે તે માટે આ નિર્ણયમાં ફેરબદલ કરવામાં આવ્યો છે.
અત્યાર સુધીમાં ચાર લાખથી વધુ લોકોએ ફ્લાવર-શૉની મુલાકાત લીધી છે. ત્યારે હજુ પણ 10 લાખથી વધુ મુલાકાતીઓ ફ્લાવર શોની મુલાકાત લે તેવો અંદાજ છે. શતાબ્દી મહોત્સવને કારણે અમદાવાદમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે ફ્લાવર શોમાં વધુ મુલાકાતીઓ આવે તેવી સંભાવના છે. ત્યારે મુલાકાતીઓને લાઈનમાં ન ઉભું રહેવું પડે તે માટે ઓનલાઈન ટિકિટનું વેચાણ પણ શરુ કરવામાં આવ્યુ છે.
ફ્લાવર શો શરૂ થયાના પ્રથમ સપ્તાહમાં દોઢ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. બીજા સપ્તાહમાં ત્રણ લાખથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. ફ્લાવર શોની અત્યાર સુધીમાં 4 લાખ 18 હજાર ટિકિટનું વેચાણ થયું છે. જેના થકી મહાપાલિકાને દોઢ કરોડ રૂપિયાની આવક થઈ છે.