અમદાવાદ : અમદાવાદ પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ ડ્રાઇવ શરૂ કરી હતી. છેલ્લા એક અઠવાડિયામાં જ અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 24 ગુના નોંધવામાં આવ્યા હતા. જેમાં કુલ 50 વ્યાજખોરો વિરુદ્ધ ગુના નોંધાયા હતા. જેમાંથી 19 વ્યાજખોરોની પોલીસે ધરપકડ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં વ્યાજખોરો વિરુદ્ધ ડ્રાઇવ દરમ્યાન 24 ગુનાઓ પૈકી 7 ગુનાઓ ફરિયાદી દ્વારા અરજી કરવામાં આવી હતી તેના આધારે નોંધવામાં આવ્યા છે. એક અઠવાડિયામાં જ પોલીસને વ્યાજખોરો વિરુદ્ધની 69 અરજી મળી છે. અરજીની પોલીસ દ્વારા તપાસ કરીને ખરાઈ કરવામાં આવી રહી છે. નારોલ, મણિનગર, કાલુપુર અને વટવામાં એક જ દિવસમાં બે- બે ગુના નોંધાયા હતા. 12 જાન્યુઆરીએ 12 ગુના નોંધાયા હતા.
શહેર પોલીસે વ્યાજખોરો માટે એક અઠવાડિયામાં 28 લોક દરબાર પણ યોજ્યા છે. જેમાં 1000થી વધુ ભોગ બનનાર લોકો હાજર રહ્યા હતા.
એક રિપોર્ટ મુજબ નારોલ પોલીસ સ્ટેશનમાં ચાર મહિલાઓ સામે ગુનો નોંધાયો છે. જેમાંથી એક મહિલા સુમન જોશી નારોલ પોલીસ સ્ટેશનમાં જ એએસઆઈ તરીકે ફરજ બજાવે છે. સાત લાખ રૂપિયા 30 ટકા વ્યાજે આપ્યા હતા. જેની સામે 14 લાખ રૂપિયા વસૂલવામાં પણ આવ્યા હતા. સુમન જોશી સહિત ચાર મહિલાઓ સામે 120બ, 384, 386, 502 અને મની લોન્ડરિંગ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
કયા ઝોનમાં કેટલા કેસ નોંધાયા
ઝોન-1માં 2 ગુના- 3 આરોપી
ઝોન-2માં 1 ગુનો – 1 આરોપી
ઝોન-3માં 2 ગુના -9 આરોપી
ઝોન-4માં એક પણ ગુનો નથી
ઝોન-5માં 5 ગુના 12 આરોપી વિરુદ્ધ
ઝોન-6માં 10 ગુના 18 આરોપી
ઝોન-7માં 4 ગુના 7 આરોપી