અમદાવાદ : આગામી 20 જાન્યુઆરીથી અમદાવાદમાં ચા પીવા માટે વપરાતા પેપર કપ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રતિબંધ મૂક્યો છે. જેને લઇને વેપારીઓ અલગ અલગ વિકલ્પ અપનાવતા થઇ ગયા છે. મોટાભાગના ટી સ્ટોલના માલિકોએ માટીના કુલ્હડ કે સ્ટીલના ગ્લાસ વિકલ્પ શરૂ કરી દીધા છે, ત્યારે પાક્કો અમદાવાદી વેપારીએ સૌથી અનોખો વિકલ્પ વેફર કપનો અપનાવ્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ આવો એક યુનિક આઈડિયા અમદાવાદના આસ્ટોડિયા દરવાજા પાસે આવેલ 51 વર્ષ જુના ન્યુ લકી ટી સ્ટોલના માલીક રાહુલ મિશ્રાએ અપનાવ્યો છે. જેમાં માટીના કુલ્હડ ઉપરાંત સ્ટીલના ગ્લાસતો અપાય જ છે, પણ સૌથી અનોખો વિકલ્પ વેફર કપનો છે. અને એ પણ જુદા જુદા ત્રણ પ્રકારના ફ્લેવર ધરાવતા વેફર કપ. જેમાં ચા પી લીધા બાદ તે કપને તમે ખાઇ પણ શકો છો.વેફર કપમાં અપાતી ચા 25 મિનિટમાં પી જવી પડશે.
સામાન્ય રીતે મોટાભાગના ટી સ્ટોલના માલિકોએ માટીના કુલ્હડ કે સ્ટીલના ગ્લાસ વિકલ્પ શરૂ કરી દીધા છે, પરંતુ અહીંયા તો વેફર કપ બન્યા છે નવો વિકલ્પ. અને એ પણ ફ્લેવર વાળા વેફર કપ.લોકો ચોકલેટ, વેનિલા અને ઈલાયચી ફ્લેવર્ડ વેફર કપમાં ચા પીને તેને ખાઈ પણ શકશે. અડધી ચાનો ભાવ રૂ.10 થી 12 છે તેની વેફર કપ સાથેની કોસ્ટ રૂ.14થી 16 થઈ જશે. કુલ્લડમાં અપાતી ચા માટે રૂ.15 ચૂકવવા પડશે.