સુરત : હાલ સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરીનું દૂષણ ઘૂસ્યુ છે. જેની સામે સરકારે અભિયાન શરૂ કર્યું છે. ત્યારે સુરત પોલીસે અનોખી પહેલ શરૂ કરી છે. વ્યાજખોરોના દૂષણમાંથી સુરત પોલીસ લોકોને મુક્તિ અપાવશે. હવે પોલીસને 100 નંબર પર ફોન કરશો એટલે લોન અપાવવામાં પણ મદદરૂપ થશે.
મીડિયા રિપોર્ટ મુજબ વ્યાજખોરી ડામવા સુરત પોલીસ દ્વારા જાહેરાત કરાઈ કે, હવે પોલીસને 100 નંબર પર ફોન કરશો એટલે લોન અપાવવામાં પણ મદદરૂપ થશે. લોકોને અલગ-અલગ 13 સ્કીમો આધારે લોન અપાવવામાં મદદરૂપ થશે. પોલીસે અલગ અલગ પ્રકારની સરકારી સ્કીમોમાં લોનનું વ્યાજ દર તેમજ કયા કયા ડોક્યુમેન્ટો આધારે લોન મળી શકે તેની માહિતી પણ આપશે.
સુરત પોલીસ હાલ વ્યાજખોરોથી મુક્તિ અપાવવા એક્શન મોડમાં આવી ગઈ છે. સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે કહ્યું છે કે, જે લોકોએ ઓછા વ્યાજે લોન જોઈએ તે પોલીસનો સંપર્ક કરી શકશે. નવી પહેલના ભાગરૂપે માનવતાના ધોરણે હવે પોલીસ લોકોને લોન લેવામાં મધ્યસ્થી કરશે.