અમદાવાદ : અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે. રોડ પરના દબાણોના કારણે સાંકડા રસ્તાઓ થઈ ગયા છે. જેથી વાહનો પસાર થઈ શકતા નથી અને ટ્રાફિકજામની સમસ્યા થાય છે. હવે પ્લાસ્ટિક અને પેપરકપ ઉપર પ્રતિબંધ મુકવાના નિર્ણય બાદ હવે અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા દબાણ દૂર કરાશે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં જાહેર રોડ પરથી શાકમાર્કેટ હટાવાશે. રોડ ઉપરના તમામ શાકમાર્કેટ દૂર કરી શાક વેચનારા લોકો માટે વૈક્લ્પિક વ્યવસ્થા કરવામાં આવશે.
ગત શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટીમાં અમદાવાદમાં શહેરમાં રોડ પર ઉભા રહેતા શાકભાજીની લારીઓ વાળા અને તમામ શાકમાર્કેટોને ને રોડ પરથી દૂર કરી અને તેઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની ચર્ચા કરવામાં આવી હતી.ત્યારે આ સમસ્યાનું નિવારણ લાવવા અમદાવાદ ટ્રાફિક પોલીસે દબાણો હટાવવાનો નિર્ણય લીધો છે. મણિનગરના કાંકરિયા વિસ્તારમાં જાહેર રોડ પરથી શાકમાર્કેટ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી રસ્તાઓ પહોળા થઇ શકે અને લોકોને ટ્રાફિક જામની સમસ્યા ન રહે. જે પછી શાક વેચનારા લોકો માટે વૈક્લ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવશે.