અમદાવાદ : અમદાવાદમાં ફરી એકવાર આંગડીયા પેઢીનો કર્મી લૂંટાયો છે. લૂંટની આ ઘટના નવા વાડજના અખબારનગર પાસે બની છે. પટેલ અમૃત કાન્તિલાલ આંગડિયાના કર્મચારી પાસેથી 25 લાખ રૂપિયા ભરેલી બેંગ લૂંટી બાઈક પર આવેલા આરોપીઓ ફરાર થઇ ગયા હતા. આ લૂંટ અંગેની જાણ પોલીસને કરતા વાડજ પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના નવા વાડજના અખબારનગર વિસ્તારમાંથી પટેલ અમૃત કાન્તિલાલ આંગડિયા પેઢીના કર્મચારીઓ પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાઈક ઉપર આવેલા લૂંટારૂઓ આંગડિયા પેઢીના કર્મી પાસેથી બેગ ઝુંટવી ફરાર થઈ ગયા હતા. ત્યારે લૂંટાયેલ કર્મચારી આંગડીયા પેઢીનો કર્મચારી હતો. બાઈક પર આવેલ શખ્સો બેગ લઈ ફરાર થઈ ગયા હતા. બેગમાં રોકડ રકમ સહિત રૂ.25 લાખનો મુદ્દામાલ હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. લોકોની ચહલપહલથી ધમધમતા રોડ પર લૂંટારૂઓ દ્વારા ત્રાટકી બેગ લઈ ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. આ લૂંટ અંગેની જાણ પોલીસને કરતા વાડજ પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચી તપાસ હાથ ધરી છે.
હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને લૂંટારૂઓ સુધી પહોંચવા માટેના તમામ પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. તેમજ દુકાનોમાં લાગેલ સીસીટીવીના આધારે લૂંટારૂઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી. તેમજ શકમંદ વ્યક્તિઓની પણ પોલીસ દ્વારા પૂછતાછ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.