અમદાવાદ : શહેરનાં એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી તક્ષશિલા હાઈરાઈઝ બિલ્ડીંગનાં 12માં માળે આગ લાગવાની ઘટના બની છે. આ આગને કાબુમાં લાવવા માટે ફાયરબ્રિગેડની 11 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. એક કલાકમાં જ ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ધુમાડાના કારણે બે વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ પડતા તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ આજે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ ફાયરબ્રિગેડ કંટ્રોલરૂમમાં મેસેજ મળ્યો હતો કે, એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા તક્ષશિલા એર ફ્લેટના12માં માળે આવેલા મકાનમાં આગ લાગી છે. જેથી ફાયરબ્રિગેડના અધિકારીઓ સહિત 11 ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડાવવામાં આવી હતી. આગ લાગતા લોકો ફ્લેટમાંથી નીચે ઉતરી ગયા હતા. જે મકાનમાં આગ લાગી હતી તે ઘરના સભ્યો પણ બહાર નીકળી ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી એક કલાકમાં આગને કાબુમાં લીધી હતી.
આ પહેલા પણ નારણપુરા વિસ્તારમાં આવેલી મોદી કેર હોસ્પિટલમાં આગ લાગી હતી. આગની આ દુર્ઘટનામાં પતિ પત્નીના મોત થયા હતા. પતિ પત્નીના મૃતદેહ હોસ્પિટલના પ્રથમ માળેથી મળી આવ્યા હતા.ત્યાં શહેરમાં ફરી આગની ઘટનામાં ત્રણ જીંદગીઓ હોમાઈ હતી.