ગાંધીનગર : રાજ્ય સરકારે જંત્રીમાં કરેલો વધારો સોમવારથી અમલમાં આવી ગયો છે. મિલ્કતોનાં દસ્તાવેજ કરાવવા સબ રજીસ્ટ્રારની કચેરીઓ પર પહોંચેલા લોકો ખુશ નહતા. જેમણે મિલ્કતો ખરીદી હતી, પણ દસ્તાવેજ કરાવવાનાં બાકી હતા, તેમના પર નાણાકીય ભાર વધ્યો છે, જેની ચિંતા અને મૂંઝવણ લોકોનાં ચહેરા પર જોઈ શકાતી હતી. સાથે જ સમય આપ્યા વિના તાત્કાલિક નિર્ણય લાગુ કરી દેવાતા સરકાર સામે રોષ પણ હતો.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને કેબિનેટ બેઠક અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે તાજેતરમાં જંત્રી કરાયેલા વધારા અંગે પૂછાયેલા સવાલના ઉત્તરમાં જણાવ્યું હતું, 4 ફેબ્રુઆરી બાદ બાદ દસ્તાવેજ અથવા સ્ટેમ્પ પેપર ખરીદાયા છે, તેમને નવા દર લાગુ થશે. જંત્રીમાં કોઈ ફેરફાર થશે કે નહીં તે અંગે જણાવ્યું કે, મુખ્યમંત્રીએ વિવિધ બિલ્ડર્સ એસોસિએશને સાથે ચર્ચા કરી છે, બેઠકમાં અધિકારીઓ પણ હાજર હતા, ચર્ચાના અંતે જે નિર્ણય થશે તેની જાણ પછીથી કરવામાં આવશે.તેમણે જણાવ્યું કે, સરકારનો નવો નિર્ણય જાહેર ન થાય ત્યાં સુધી નવા દરો જ લાગુ રહેશે.
આ તરફ જંત્રીના નવા દર લાગુ પડતા બિલ્ડર એસોસિએશન અસંતુષ્ટ થયા હોવાનો ઘાટ ઘડાયો છે. જેને લઈ કન્સ્ટ્રકશન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો અને ખાસ કરીને બિલ્ડર લોબી સળંગ બે દિવસમાં બે વખત મુખ્યમંત્રી સાથે બેઠક કરી ચૂકી છે. આજે પણ અમદાવાદ બિલ્ડર એસોસિએશને મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી, જેમાં નવી જંત્રીને 3 મહિના બાદ લાગુ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.