અમદાવાદ : અમદાવાદીઓને સરળતાથી મેટ્રો મળી રહે તે માટે મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. AMCની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. તંત્રની તિજોરી પણ છલકાઈ છે. ત્યારે બીજી તરફ અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહથી મેટ્રો ટ્રેનના સમય અને ફ્રિકવન્સીમાં વધારો કરાતાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 6 દિવસમાં 2.39 લાખ મુસાફરો નોંધાયા છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર 30 જાન્યુઆરીથી મેટ્રોનો સમય વધારીને સવારે 7 થી રાત્રે 10 સુધી કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફ્રિકવન્સી અગાઉની 30 મિનિટથી ઘટાડીને 15 મિનિટની કરાઇ હતી. જેના પગલે મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જાન્યુઆરી માસ દરમિયાન મેટ્રોમાં કુલ 10,91,939 મુસાફરો નોંધાયા હતા અને કુલ આવક 1.67 કરોડ હતી. આમ, જાન્યુઆરીમાં પ્રતિ દિન સરેરાશ મુસાફરો 35223 અને સરેરાશ આવક રૃપિયા 5.40 લાખ હતી.
જેની સરખામણીએ છેલ્લા 6 દિવસમાં કુલ મુસાફરો 2,39,620 નોંધાયા છે જ્યારે કુલ આવક 37.98 લાખ થઇ છે. આ મુજબ સરેરાશ મુસાફરો વધીને 39336 જ્યારે સરેરાશ આવક વધીને રૃપિયા 6.33 લાખ થઇ છે. આમ, મુસાફરો અને આવકમાં સરેરાશ 10 ટકા જેટલો વધારો નોંધાયો છે. 6 દિવસમાં વસ્ત્રાલ-થલતેજ રૃટમાં 1.73 લાખ મુસાફરો 27.72 લાખની આવક જ્યારે મોટેરા સ્ટેડિયમ-એપીએમસી રૃટમાં 66567 મુસાફરો 10.25 લાખની આવક થયાનું સામે આવ્યું છે.