ગાંધીનગર : આજે ગાંધીનગર ST ડેપો ખાતે 151 બસોનું CMના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર એસ.ટી.બસ સ્ટેશન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. ST ડેપો ખાતે નવી 151 બસમાં 40 સ્લીપર કોચ અને 111 લક્ઝરીનો સમાવેશ થાય છે. 16 કરોડના ખર્ચે તૈયાર 40 સ્લીપર કોચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સાથે જ 37 કરોડના ખર્ચે 111 લક્ઝરી બસોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, આ 151 બસનું નિર્માણ એસ ટી નિગમ દ્વારા ઈન હાઉસ કરવામાં આવ્યું છે.
એસટી નિગમે મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે એક હજાર નવી બસ સંચાલનમાં મૂકવાનું આયોજન કર્યું છે. તેના માટે 310 કરોડની નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે. તેના ભાગરૂપે મુખ્યમંત્રીએ આજરોજ 53 કરોડના ખર્ચે 151 નવી બસોનો શુભારંભ કરાવ્યો છે. જેમા 40 સ્લીપર કોચ અને 111 લક્ઝરી કોચ સામેલ છે. આ બસો આજથી મુસાફરોની સુવિધા માટે કાર્યરત થઈ જશે.આપને જણાવી દઈએ કે, જે 1 હજાર બસ મૂકવાનું આયોજન છે, તેમાંથી 500 સુપર એક્સપ્રેસ, 300 લક્ઝરી અને 200 સ્લીપર કોચ બસો હશે.
આ ઉપરાંત મુખ્યમંત્રી એ કમ્પ્યુટર બેઝ્ડ એનાઉન્સમેન્ટ સિસ્ટમનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્રકારની એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ રેલવે અને એરપોર્ટ પર થાય છે. આ સિસ્ટમ દ્વારા મુસાફરો પુછપરછ બારીનો ઉપયોગ કર્યા વિના રુટ, બસ નંબર, સ્ટોપેજ અને પ્લેટફોર્મની જાણકારી મેળવી શકશે. જણાવી દઈએ કે કંડક્ટર દ્વારા બસની નોંધણી આરએફઆઈડી કાર્ડ સ્વાઈપ કરવાથી ઓટોમેટિક થઈ જશે, તથા જે તે રુટની નોંધણી કમ્પ્યુટર સોફ્ટવેર બેઝ થવાથી રિઅલ ટાઈમ ઈન્ફર્મેશન મળી શકશે.