ગાંધીનગર : ગુજરાતમાં ગુજરાતી ભાષા ના ભણાવતી સ્કૂલો સામે આકરા પગલા ભરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યુ છે. રાજ્ય સરકારે કહ્યુ કે બાળકોને ગુજરાતી ના ભણાવતી સ્કૂલો સામે આકરા પગલા લેવામાં આવશે.રાજ્ય સરકારે હાઇકોર્ટનું આકરૂં વલણ જોઈને આ નિર્ણય લીધો છે.
ગુજરાતી સાહિત્યકારોએ આ મામલે સરકારને રજૂઆત કરી હતી. જે સ્કૂલ બાળકોને ગુજરાતી નહી ભણાવે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. પ્રવક્તા મંત્રીએ કહ્યુ કે સરકારે ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવાનો આદેશ કર્યા પછી કેટલીક ખાનગી સ્કૂલોએ તેનું ઉલ્લંઘન કર્યુ છે. આવી ફરિયાદ સાહિત્યકારો અને નિષ્ણાંતો દ્વારા મળી છે.
રાજ્યમાં પ્રાથમિક સ્કૂલોમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા અંગે જાહેર હિતની અરજી કરવામાં આવી હતી જેના આધારે ગુજરાત હાઇકોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ ફટકારી હતી. આ અરજીમાં એવો આરોપ મુકવામાં આવ્યો હતો કેન્દ્રીય વિદ્યાલયોમાં ગુજરાતી ભાષા ભણાવવામાં આવતી નથી.
ગુજરાતી ના ભણાવતી સ્કૂલો સામે કેવા પ્રકારના પગલા ભરવામાં આવી રહ્યા છે તેવો સવાલ હાઇકોર્ટે કર્યો હતો, જેના જવાબમાં સરકાર તરફથી કહેવામાં આવ્યુ કે સ્કૂલો ગુજરાતી નહી ભણાવે તેના સંચાલકોને નોટિસ આપીને પગલા ભરવામાં આવશે. વિશ્વ માતૃભાષા દિનની ઉજવણીની જાહેરાત સમયે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં સરકારના પ્રવક્તા મંત્રીએ પગલા લેવાનું ઉચ્ચારણ કર્યુ હતુ.