સોમનાથ : મહાશિવરાત્રીને લઈને સોમનાથ ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મહાશિવરાત્રી પર સોમનાથ દાદાના દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. જેને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાશિવરાત્રી પર સોમનાથ મંદિર સતત 42 કલાક ખુલ્લું રહેશે.ચારેય પ્રહરની પૂજા આરતી થશે અને દિવ્ય શંખનાદ થશે.
શિવરાત્રિ પર્વ નિમિતે સોમનાથ મહાદેવ શિવાલય વહેલી સવારના ચાર વાગ્યે ખૂલી જશે. જે સતત 42 કલાક ખુલુ રહીને તા. 19મીની રાત્રિના દસ વાગ્યે દર્શન બાદ બંધ થશે. શિવરાત્રિના દિવસે નૂતન ધ્વજારોહણ, મહામૃત્યુંજય જાપ, સાયં શણગાર , અને રાતના સાડા નવ, સાડા બાર, સાડા ત્રણ અઅને સાડા પાંચ વાગ્યે એમ કુલ ચાર વાર મહાઆરતી થશે. તા. 18 અને તા. 19 મળી કુલ બે દિવસ દરમિયાન ૧૨ મહાઆરતીઓ થશે. આ ઉપરાંત મહામૃત્યુંજય જાપયજ્ઞા, પાલખીયાત્રા, ચાર પ્રહરની આરતી, બિલ્વપૂજા, સોમનાથ ચોપાટી પાસે પાર્થીવેશ્વર પૂજા, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના કાર્યક્રમોનું આયોજન થયું છે.
શિવરાત્રિને અનુલક્ષીને ગુજરાત યુવક અને સાંસ્કૃતિક મંત્રાલય અને લલીતકલા એકેડેમી ગાંધીનગરના આયોજન હેઠળ G-20 અંતર્ગત રેતશિલ્પ મહોત્સવ તા. 17 અને તા. 18ના રોજ આયોજિત કરાયો છે. જેમાં સમુદ્રતટે શિવપંચાયતન નંદી, જલપરી, હેરિટેજ સહીતના વિવિધ વિષયોના રેત શિલ્પો કંડારી કળાકારો કળા આરાધના કરે છે.