અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટેક્સ ન ભરનારા લોકોની મિલકતો સીલ કરવાની ઝુંબેશ અંતર્ગત આજે ટેક્સ વિભાગે ઐતિહાસિક સિલિંગ કર્યું છે. એક જ દિવસમાં કુલ 4564 મિલકતો અને સીલ કરી 15 કરોડની ટેક્સની આવક મેળવી છે. વ્યાજ માફીની યોજના સ્કીમ અંતર્ગત છેલ્લા ચાર દિવસમાં રૂપિયા 37 કરોડની ટેક્સની આવક થઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ શુક્રવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ ઝોનમાં મેગા સિલિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી જેમાં અનેક મિલકતો જેમાં હોટલ, ઓફિસ, શો રૂમ સહિતના મોટા કોમ્પ્લેક્સ અને દુકાનો વગેરેને સીલ કરવામાં આવી હતી. વહેલી સવારે 7 વાગ્યાથી આ મેગા ઝુંબેશ શરૂ થઈ હતી. એક જ દિવસમાં 4564 જેટલી મિલકતોને સીલ કરી દેવામાં આવી છે. જ્યારે ટેક્સ વિભાગની પ્રક્રિયા માટે પહોંચે ત્યારે ત્યાં જ સ્પોટ ટેક્સ ભરવાની કામગીરી પણ કરવામાં આવી હતી.પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 1761 મિલકત સીલ કરવામા આવી હતી.જેની સામે રુપિયા 4.15 કરોડની આવક થવા પામી હતી.ઉત્તર-પશ્ચિમ ઝોનના વિવિધ વિસ્તારમાં કુલ મળીને 739 મિલકત સીલ કરવાની સાથે રુપિયા 3.9 કરોડની બાકી મિલકતવેરાની વસૂલાત કરવામાં આવી હતી.
શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલા પાર્ક એવન્યુ,ડોકટર હાઉસ સુમેરુ ટાવર સહિતના વિસ્તારોમાં કુલ મળીને 301 મિલકત, એક્રોસ, સુપર મોલ,ઈસ્કોન આર્કેડ સહિતના વિસ્તારોમાં 353 મિલકત બાકી વેરાની વસૂલાત માટે સીલ કરાઈ હતી.ફેરડીલ હાઉસ તથા સીટી સેન્ટર સહીતના વિસ્તારોમાં 386 મિલકત સીલ કરવામાં આવી હતી.રત્નહાઈટસ અને અંકુર શોપીંગ સેન્ટર સહિતના વિસ્તારોમાં કુલ 145 મિલકત વેરા વસૂલાત માટે સીલ કરવામાં આવી હતી.